Ghulam Nabi Azad Book : કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પોતાના પુસ્તક 'આઝાદ'માં એક તરફ રાહુલ ગાંધી અને કોંગ્રેસની કામગીરી પર નિશાન સાધ્યું છે તો બીજી તરફ અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ તેમના પુસ્તકમાં કોંગ્રેસની હાલત પર એક આખું પ્રકરણ લખ્યું છે. 'ધ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીઃ બ્લૂપર્સ એન્ડ બોમ્બાસ્ટ' (The Grand Old Party : Bloopers and Bombast)નામના કૉંગ્રેસ પરના પ્રકરણમાં ગુલામ નબી આઝાદે કૉંગ્રેસના પતનને નિરાશાજનક ગણાવ્યું છે અને ચિંતા વ્યક્ત કરી છે કે, તેને રોકવા માટે હજી પણ કોઈ ગંભીર પ્રયાસ કરવામાં નથી આવી રહ્યા.



આઝાદ પુસ્તકમાં લખે છે કે, રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસના સલાહકારી મિકેનિઝમને સંપૂર્ણ રીતે તોડી નાખવાથી લઈને પાર્ટી ચલાવતા બિનઅનુભવી ચાપલૂસોની નવી કેટેગરીના ઉદય વાળી પાર્ટીએ ભારત માટે જે યોગ્ય છે તે માટે લડવાની ઇચ્છા અને ક્ષમતા બંને ગુમાવી દીધા છે. આઝાદે આગળ લખ્યું છે કે, આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો, સાંસદો અને પ્રદેશ પ્રમુખોને પાર્ટી નેતૃત્વને મળવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડી છે. હવે પૂર્વ એપોઇન્ટમેન્ટ વિના મળવાની કલ્પના પણ કરી શકાતી નથી.

આઝાદે G-23ની ટીકા કરનારા કોંગ્રેસના કેટલાક નેતાઓ પર લખ્યું છે કે, કહેવાતા નેતાઓના નિયમિત ટ્વિટને કરવાના કારણે પાર્ટી સંગઠન ફરી ઉભુ ના થઈ શકે. જી-23 વિરુદ્ધ બોલનારા કોંગ્રેસી નેતાઓ પર પ્રહાર કરતા આઝાદે તેમના પુસ્તકમાં લખ્યું છે કે, અમે તે સીડીને લાત નથી મારી કે જેના દ્વારા જ અમે ટોચ પર પહોંચ્યા હતાં… બલ્કે અમારા જેવા લોકો એ સીડી હતાં જેના દ્વારા કેટલાક નેતાઓ ટોચ પર પહોંચ્યા અને એ લોકોએ શિખર પર પહોંચી લાગી રહ્યું છે કે, તેઓને હવે સીડીની જરૂર જ નથી.

આઝાદે પુસ્તકમાં લખ્યું છે કે, આજે કોંગ્રેસમાં એવો કોઈ નેતા નથી, જેની અપીલ આખા ભારતમાં વર્તાય. કોંગ્રેસની નબળાઈનું એક કારણ કામરાજ યોજના પણ છે, જેણે પાર્ટીને નબળી પાડવાની શરૂઆત કરી અને દેશભરમાં પાર્ટીની અંદર જન આધાર ધરાવતા લોકપ્રિય નેતાઓનો પ્રભાવ ઓછો કરી નાખ્યો.

તેમણે આગળ લખ્યું છે કે, કોંગ્રેસમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં અનુભવી નેતાઓ કરતાં સારા દેખાતા અને સારૂ બોલતા યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવે છે. હિમંતા બિસ્વા શર્માનો ઉલ્લેખ કરતા આઝાદે લખ્યું હતું કે, સંજોગોનો ધ્યાને લેતા એ દુર્ભાગ્યપૂર્ણ છે કે, સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પોતાને મજબૂત કરી શક્યા નહીં.

ગુલામ નબી આઝાદે 24 કલાકમાં ફરી કર્યા પીએમ મોદીના વખાણ

કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર સવાલ ઉઠાવનારા આઝાદે પોતાના પુસ્તકમાં પીએમ મોદીને સારા શ્રોતા ગણાવ્યા છે. આઝાદે તેમના પુસ્તકમાં પીએમ મોદી દ્વારા અપાયેલા તેમના વિદાય ભાષણની પ્રશંસા કરી હતી અને આભાર માન્યો છે. આઝાદે લખ્યું હતું કે, પીએમ મોદીનું વિદાય ભાષણ કોંગ્રેસ અને કોંગ્રેસ નેતૃત્વ માટે ગર્વની વાત હોવી જોઈએ, પરંતુ પાર્ટી નેતૃત્વ નાખુશ અને ટીકાજનક હતું. કોંગ્રેસના નેતાઓએ મને ભાજપનો માણસ ગણાવી દીધો.

પુસ્તકના વિમોચન પહેલા આઝાદે પીએમ મોદીને ખૂબ જ મહેનતુ ગણાવ્યા હતા. આ સિવાય આઝાદે પોતાના પુસ્તકમાં સંસદ સત્ર દરમિયાન બીજેપી પાર્ટીના સાંસદોને મળવા અને ખાડી દેશોના નેતાઓ સાથે સારા અંગત સંબંધો બનાવવાના પ્રયાસની પીએમ મોદીની પ્રશંસાનો પણ ઉલ્લેખ કર્યો હતાં.