Poonch Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે થયેલા આતંકી હુમલાના મામલામાં મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે, આ હુમલો પાંચ આતંકીઓએ કર્યો હતો. જેમાં ત્રણ આતંકી વિદેશી અને બે સ્થાનિક હતા. એ વાત પણ સામે આવી છે કે, હુમલાનો હેતુ જી-20 બેઠક પહેલા ભય પેદા કરવાનો હતો. આ મામલામાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલાની જવાબદારી જૈશ સમર્થિત આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ લીધી છે.


ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ભીમ્બર ગલી અને પૂંચ વચ્ચે સેનાનું વાહન હતું ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા હતાં. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઈને આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો. આ ગ્રેનેડ હુમલા દરમિયાન કારમાં આગ લાગી હતી. આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે એક જવાબ ઘાયલ થયો હતો. શહીદ થયેલા હવાલદાર મનદીપ સિંહ, સિપાહી હરકિશન સિંહ, લાન્સ નાઈક કુલવંત સિંહ અને સિપાહી સેવક સિંહ પંજાબના રહેવાસી હતા, જ્યારે લાન્સ નાઈક દેબાશિષ ઓડિશાના રહેવાસી હતા.


પુંછમાં થયેલા આતંકવાદી હુમલામાં પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોને કસ્ટડીમાં લીધા છે. NIAએ પણ ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, હુમલા બાદ તમામ આતંકવાદીઓ એક વાહનમાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. એજન્સીઓનું કહેવું છે કે, હુમલામાં ચારથી પાંચ આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે. હાલમાં સંખ્યા વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.


આતંકવાદી સંગઠનોમાં વ્યાપેલા ફફડાટનું કારણ શું?


ભારત આ વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ અંતર્ગત અલગ-અલગ જગ્યાએ બેઠકો યોજાવાની છે. લદ્દાખના શ્રીનગર અને લેહમાં બે બેઠકો યોજાશે. આ બેઠક લેહમાં 26 થી 28 એપ્રિલ અને શ્રીનગરમાં 22 થી 24 મે દરમિયાન યોજાવાની છે. આ બેઠક પહેલા હુમલો કરીને આતંકવાદીઓ સંદેશ આપવા માંગે છે કે, કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી. પાકિસ્તાને પણ આ બંને બેઠકો પર વાંધો ઉઠાવ્યો છે. જો કે, ભારતે પાકિસ્તાનના વાંધાને ફગાવીને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લેહ ભારતના અભિન્ન અને અતૂટ અંગ છે.


આ હુમલાનો બદલો લેવા માટે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કરી દીધું છે. તેમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેનાએ આ વિસ્તારમાં 7 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. તેને ધ્યાનમાં રાખીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં ડ્રોન અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.


સૂત્રોનું કહેવું છે કે, સુરક્ષા દળોની ટીમે શંકાસ્પદ વિસ્તારોને નષ્ટ કરી દીધા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના પાસે પૂંચ સેક્ટરમાં બે સક્રિય આતંકવાદી જૂથો સાથે જોડાયેલા 7 આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સ છે. તે પાકિસ્તાની આતંકવાદી જૂથ છે, જે સેનાના વાહન પર હુમલો કરવામાં સામેલ હતું.


આ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન તરફથી આવા આતંકી હુમલા થતા રહેશે. જો ભારત સરકાર દાવો કરે છે કે, કાશ્મીરમાં બધું બરાબર છે, તો તેઓ શા માટે ચૂંટણીઓ નથી કરાવતા? શા માટે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરતા નથી. આ હુમલા બાદ સાર્ક દેશોએ પણ સક્રિય રહેવાની જરૂર છે.