મુંબઈઃ કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરનારા બોલિવૂડ એક્ટર સોનુ સૂદની ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં સોનુ સૂદના મદદના કાર્યને લઈ સવાલ ઉઠાવ્યા છે. આ માટે તેમણે બીજેપી પર નિશાન સાધ્યું હતું. બીજેપીએ સંજય રાઉતના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.


સંજય રાઉતે લખ્યું, લોકડાઉન દરમિયાન સોનુ સૂદ નામનો એક મહાત્મા તૈયાર થઈ ગયો છે. પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે તેના નામની ચર્ચા થઈ રહી છે. જે લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘર ન મોકલી શકી તેમને સોનુ સૂદે મોકલ્યા. એટલે સુધી કે રાજ્યપાલે પણ તેની પ્રશંસા કરી હતી. રાઉતે પ્રવાસી મજૂરોને બસમાં મોકલવા માટે આવેલા પૈસા પર સવાલ ઉઠાવીને સોનુ સૂદને ભાજપનો પ્યાદું ગણાવ્યું હતું.

રાઉતે કહ્યું, સોનુ સૂદ સારો એકટર છે. મૂવી માટે અલગ ડિરેક્ટર હોય છે, તેણે જે કામ કર્યુ તે સારું છે પરંતુ તેની પાછળ કોઈ પોલિટિકલ ડિરેક્ટર હોવાની શક્યતા છે.


બીજેપી નેતા રામ કદમે કહ્યું, સોનુ સૂદ અંગે શિવસેનાનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. આ તેમનું ફ્રસ્ટ્રેશન છે, તેમની સરકાર આ મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી છે. સોનુ સૂદના કામની પ્રશંસા કરવાના બદલે તેના પર આરોપ લગાવી રહ્યા છે. સોનુ સૂદ પર આરોપ લગાવીને તેઓ પોતાની નિષ્ફળતા ન છૂપાવી શકે.