મુંબઈ: રવિવારે (2 જુલાઈ)ના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જ્યારે NCPના મોટા નેતાઓમાંના એક અજિત પવાર બળવો કરીને મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં જોડાયા હતા.  બાદમાં અજિત પવારે  ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે NCPના કુલ 9 નેતાઓએ મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં એનસીપીની કાર્યકારી અધ્યક્ષ અને શરદ પવારના સૌથી નજીકના સાથી પ્રફુલ પટેલ પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ મીડિયામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે  પ્રફુલ પટેલ કેંદ્રની મોદી સરકારમાં મંત્રીપદના શપથ લઈ શકે છે.

  






કોણ છે પ્રફુલ પટેલ ?


NCP નેતા પ્રફુલ પટેલનો જન્મ 17 ફેબ્રુઆરી, 1957ના રોજ કોલકાતામાં થયો હતો. પ્રફુલ પટેલના પિતા મનોહરભાઈ પટેલ બીડીના મોટા વેપારી હતા. તેમના પિતા મનોહર પણ સ્વ.ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, બાબુભાઈ પટેલના નજીકના ગણાતા હતા. આ ઉપરાંત તેઓ ગોંદીયા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પણ હતા.


શરદ પવારની આટલી નજીક કેઈ રીતે આવ્યા ?


એનસીપીના વડા શરદ પવાર મહારાષ્ટ્રના પ્રથમ સીએમ યશવંતરાવ ચવ્હાણને તેમના ગુરુ માનતા હતા. યશવંત રાવ પ્રફુલ પટેલના પિતા મનોહર ભાઈના ખૂબ નજીકના ગણાતા હતા. શરદ પવાર જ્યારે યશવંત રાવ ચવ્હાણ અને મનોહર ભાઈને મલતા ત્યારે તેમની સાથે પ્રફુલ પટેલ હાજર રહેતા હતા. પ્રફુલ ભાઈ હંમેશા પિતા સાથે રાજકીય બેઠકોમાં જતા હતા, આ કારણે તેઓ શરદ પવારની નજીક આવ્યા હતા.


પ્રફુલ્લ પટેલ માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતા મનોહરભાઈનું અવસાન થયું હતું. જો કે પ્રફુલ પટેલને હંમેશા શરદ પવારના આશીર્વાદ મળતા હતા અને તેમના પિતાના પગલે ચાલીને રાજકારણમાં તેમણે સફર શરૂ કરી હતી.




ચાર વખત લોકસભા અને ત્રણ વખત રાજ્યસભાના સાંસદ


રાજનીતિમાં નાની ઉંમરે એન્ટ્રી કરતા પ્રફુલ્લ પટેલ 28 વર્ષની વયે ગોંદિયાથી નગર પરિષદના પ્રમુખ બન્યા હતા. આ પછી 33 વર્ષની ઉંમરે તેઓ 1991 માં પહેલી વાર લોકસભાની ચૂંટણી જીત્યા અને ત્યાર બાદ તેઓ સતત બે ચૂંટણીઓ જીત્યા હતા. ત્યારબાદ પ્રફુલ્લ પટેલ 2009માં ચોથી વખત લોકસભાની ચૂંટણી જીત્યા અને કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બન્યા. તેમને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. એનસીપી નેતા 2000 અને 2006 માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ પણ ચૂંટાયા હતા. પ્રફુલ પટેલ 2022માં રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા.