નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે ચર્ચા દરમિયાન કથિત રીતે નથૂરામ ગોડસેને દેશભક્ત કહીને બચાવ કરવાના વાવિદ પર પ્રજ્ઞા ઠાકુરે સ્પષ્ટતા કરી છે. ભોપાલથી ભાજપના સાંસદે કહ્યું કે, તેમણે ગોડસે નહીં, ઉધમ સિંહનો ઉલ્લેખ આવવા પર એ. રાજાને ટોક્યા હતા.


સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ANIને કહ્યું કે, સંસદમાં ચર્ચા દરમિયાન એ. રાજા એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જાણે બધા દેશભક્ત દેશના દુશ્મન અને આતંકવાદી હોય. તેમણે કહ્યું કે, ‘સુરક્ષાના મુદ્દે ચર્ચા થઈ રહી હતી અને એ. રાજા દેશભક્ત ઉધમ સિંહ વિશે વાત કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, ઉધમ સિંહે જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ જનરલ ડાયરની હત્યા પહેલા 20 વર્ષ સુધી તેના પ્રત્યે બદલાની ભાવના પાળી રાખી હતી. જ્યારે બોલવાનું શરૂ રાખ્યું ત્યારે મેં તેમને ટોકતા કહ્યું કે, દેશભક્તોના નામ ન લો.’

પ્રજ્ઞાએ દાવો કર્યો કે, તેમનું નિવેદન ગોડસે માટે નહોતું. તેમણે કહ્યું કે, ‘તે નથૂરામ ગોડ્સે માટે નહોતું. મેં તેમને ત્યારે ટોક્યા હતા જ્યારે તેમણે ઉધમ સિંહનું નામ લીધું. ત્યારબાદ સ્પીકરે મને બેસવા માટે કહ્યું અને હું બેસી ગઈ. જોકે, એ. રાજાએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું અને તે અંદાજમાં નથૂરામ ગોડ્સે માટે પણ કહ્યું. ત્યારે મેં તેમને નહોતા ટોક્યા.’

બીજી તરફ DMKના નેતા એ. રાજાએ દાવો કર્યો કે, સાધ્વી પ્રજ્ઞાએ તેમને ત્યારે ટોક્યા હતા જ્યારે તેમણે ગોડસેના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે, ગાંધીની હત્યા પહેલા તેણે 32 વર્ષ સુધી તેમના માટે અદાવત પાળી હતી.

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લદા જોશીએ આ મામલે કહ્યું કે, પ્રજ્ઞા ઠાકુર પાસે પાર્ટીએ એ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે કે, તે નાથૂરામ ગોડસેનું સમર્થન નથી કરતી. કોંગ્રેસે પ્રજ્ઞા ઠાકુરની ટીકા કરતાં ટ્વીટ કર્યું હતું. પાર્ટીએ કહ્યું કે, આ સત્તાધારી પક્ષની નફરતની રાજનીતિનું પ્રતિનિધિત્વ કરતી ટિપ્પણી છે. ડી. રાજાએ કહ્યું કે, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહએ સ્પષ્ટતા કરવી જોઈએ કે, તે ભાજપ સાંસદ ઠાકુરની ટિપ્પણીનું સમર્થન કરે છે કે નહીં.