Prajwal Revanna Scandal: કર્ણાટકની હાસન લોકસભા સીટ પરથી JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના હજુ પણ ફરાર છે. આ અંગે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ તેમના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને ચેતવણી આપી દીધી છે કે,શક્ય તેટલી વહેલી તકે ભારત પરત ફરે. પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ X પર પોસ્ટ કરીને લખ્યું, "મેં પ્રજ્વલ રેવન્નાને ચેતવણી આપી છે કે તેઓ જ્યાં પણ હોય ત્યાંથી તરત જ પાછા ફરે અને અહીંની કાનૂની પ્રક્રિયામાં જોડાય. તેને મારી ધીરજની વધુ કસોટી ના કરવી જોઈએ."


પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ પણ કહ્યું કે જો તેમના પર લાગેલા આરોપો સાચા સાબિત થાય તો તેમને સખતમાં સખત સજા થવી જોઈએ.






પ્રજ્વલ રેવન્ના સામે ધરપકડ વોરંટ, કોર્ટે SITને આપી મંજૂરી


કર્ણાટકની હાસન બેઠકના સાંસદ અને  ચૂંટણીમાં ભાજપના સહયોગી જેડીએસના સસ્પેન્ડડ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના આ દિવસોમાં સમાચારોમાં છે. તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ગયા મહિને, પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણીનો, સેંકડો વીડિયો રેકોર્ડ કરવાનો, ધમકી આપવાનો અને ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રેવન્ના સાથે જોડાયેલા અનેક વાયરલ વીડિયો સામે આવ્યા બાદ મામલો વધુ વેગ પકડ્યો હતો. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ નેતા પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જ્યાં કર્ણાટકની SITએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાની મંજૂરી માંગી હતી.


આ રીતે મામલો પ્રકાશમાં આવ્યો


કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા 26 એપ્રિલના રોજ હસનમાં સેંકડો પેન ડ્રાઈવ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આ પેન ડ્રાઈવમાં 2900થી વધુ વીડિયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયો પ્રજ્વલ રેવન્નાએ કથિત રીતે રેકોર્ડ કર્યા હતા. આ પછી તેમને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યા હતા. કર્ણાટક સરકારે જ્યારે રાજ્ય મહિલા આયોગના વડા નાગલક્ષ્મી ચૌધરીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ડીજીપીને પત્ર લખ્યો ત્યારે આ બાબતની નોંધ લીધી.


બીજી તરફ મહિલા આયોગના વડા નાગલક્ષ્મી ચૌધરીએ કહ્યું હતું કે, હસનમાં પેનડ્રાઈવમાં મહિલાઓના અશ્લીલ વીડિયો વહેંચવામાં આવી રહ્યા છે. જેને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. મહિલા આયોગને આ મામલે પેન ડ્રાઈવ અને ફરિયાદ પણ મળી છે. આના પર મહિલા આયોગે સીએમ અને પોલીસને લખેલા પત્રમાં વીડિયો રેકોર્ડિંગ અને વિતરિત કરનારાઓ સામે તપાસ અને કાર્યવાહીની માંગ કરી હતી, ત્યારબાદ કર્ણાટક સરકારે 27 એપ્રિલે SITની રચના કરી અને તપાસનો આદેશ આપ્યો હતો.


જાણો કોણ છે પ્રજ્વલ રેવન્ના?


નોંધનીય છે કે 33 વર્ષીય પ્રજ્વલ રેવન્ના ગૌડા પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે. તે કર્ણાટકના પૂર્વ PWD મંત્રી એચડી રેવન્નાના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. એચડી રેવન્ના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાના પુત્ર છે. જ્યારે પ્રજ્વલ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર છે. પ્રજ્વલ રેવન્નાએ 2014માં બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી મેળવી હતી. તે પછી તે રાજકારણમાં સક્રિય થયો. જ્યારે, પ્રજ્વલ રેવન્ના હસનથી JDS અને NDAના સંયુક્ત ઉમેદવાર હતો.