નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા માટે નાગપુર પહોંચી ગયા છે. પિતા પ્રણવ મુખર્જીના આરએસએસ કાર્યક્રમમાં સામેલ થવા પર તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જી નારાજ છે અને તેમણે પિતાને સલાહ પણ આપી દીધી હતી.


શર્મિષ્ઠાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજની ઘટના બાદ પ્રણવ મુખર્જી એ વાત માનવા તૈયાર થઇ જશે કે બીજેપી કઇ હદ સુધી ગંદા ખેલ ખેલી શકે છે. એટલે સુધી કે આરએસએસ પણ એ વાત પર વિશ્વાસ નહી કરે કે  તમે તમારા ભાષણમાં તેના વિચારોનું સમર્થન કરશો. ભાષણ તો ભૂલાવી દેવામાં આવશે પરંતુ તસવીરો બની રહેશે અને તેમને નકલી નિવેદનો સાથે જાહેર કરવામાં આવશે.

અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે શર્મિષ્ઠા બીજેપી સાથે જોડાઇ શકે છે. શર્મિષ્ઠાએ કહ્યું કે, બીજેપી કઇ હદ સુધી ગંદા ખેલ ખેલી શકે છે. તેની બીજેપી સાથે જોડાવવાની અફવા ફેલાવવામાં આવી. પ્રણવ મુખર્જીને સલાહ આપતા શર્મિષ્ઠા મુખર્જીએ જણાવ્યું હતું કે, નાગપુર જઇને તમે બીજેપી અને આરએસએસને નકલી વાર્તાઓ બનાવવા, અફવા ફેલાવવાની તક આપી રહ્યા છો. હજુ તો આ શરૂઆત છે. નોંધનીય છે કે આરએસએસ કાર્યક્રમમાં સામેલ ન થવા પર કોગ્રેસ નેતાઓએ પ્રણવ મુખર્જીને સલાહ આપી હતી.