Prashant Kishor: જન સુરાજ (Jan Suraaj) ના સૂત્રધાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનોમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તેમની પાર્ટી (જન સુરાજ) સરકાર બનાવશે તો  એક  કલાકની અંદર બિહારમાંથી દારુબંધી હટાવી દેશે. પ્રશાંત કિશોરનું કહેવું છે કે બિહારમાં દારુબંધીથી રાજ્યને નુકસાન થઈ રહ્યું છે.  હવે પ્રશાંત કિશોરે આ સંબંધમાં વધુ એક મોટી જાહેરાત કરી દિધી છે. હવે આ જાહેરાતથી તમામ પાર્ટીઓનું ટેન્શન વધી ગયું છે. પ્રશાંત કિશોરે જણાવ્યું કે દારુબંધી હટાવી બાદમાં જે ટેક્સ આવશે તેનું શું કરશે. 


જન સૂરાજ અભિયાનના સૂત્રધાર પ્રશાંત કિશોર 2 ઓક્ટોબરે પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. તે પહેલા તેઓ સમાજના વિવિધ વર્ગો સાથે બેસીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આ શ્રેણીમાં પટનાના જ્ઞાન ભવન ખાતે બિહારના શિક્ષણવિદો સાથે 'શિક્ષા સંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'શિક્ષા સંવાદ'માં પ્રશાંત કિશોરે પોતાના વિચારો વ્યક્ત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો રાજ્યની શિક્ષણ પ્રણાલીમાં બદલાવ જોવો હોય તો 5 લાખ કરોડ રૂપિયાના વધારાના મૂડી રોકાણની જરૂર પડશે. આ રકમ 50 હજાર કરોડ રૂપિયા ઉપરાંત હશે, જે બિહાર સરકાર હાલમાં શિક્ષણ પર દર વર્ષે ખર્ચ કરી રહી છે.


'બજેટમાં દારૂના ટેક્સનો ઉપયોગ નહી'


પ્રશાંત કિશોરે આ મૂડી એકઠી કરવા સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું, "દારુબંધીને  હટાવીને દારૂના કરમાંથી આવતી આવકને આગામી 20 વર્ષ માટે સુરક્ષિત કરી શકાય છે. આ આવકનો ઉપયોગ બજેટમાં કરવામાં આવશે નહીં, પરંતુ તેનો ઉપયોગ બિહારમાં નવી અને મજબૂત શિક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે કરવામાં આવશે." 


જન સુરાજના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ કરવામાં આવશે


પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે દારૂના ટેક્સમાંથી આવતા પૈસા રાજકારણીઓની સુરક્ષા,  તેમના હેલિકોપ્ટર અથવા ફર્નિચર પર ખર્ચ કરવા ન જોઈએ, પરંતુ તે ફક્ત બાળકોના શિક્ષણ પર ખર્ચવા જોઈએ. તેમણે સૂચન કર્યું હતું કે આ મુદ્દે કાયદામાં જોગવાઈ કરવી જોઈએ અને જન સૂરાજના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ કરવામાં આવશે કે જો દારૂબંધી હટાવવામાં આવશે તો તેની સંપૂર્ણ આવક બિહારના બાળકોના શિક્ષણ અને શિક્ષણમાં સુધારો કરવામાં ખર્ચવામાં આવશે.  


આ પણ વાંચો: 


સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '