તમિલનાડુ: એમકે સ્ટાલિનની પાર્ટી DMK માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે પ્રશાંત કિશોર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2020 06:59 PM (IST)
પ્રશાંત કિશોર હાલ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી માટે કામ કરી રહ્યા છે.
નવી દિલ્હી: તમિલનાડુની મુખ્ય વિપક્ષી પાર્ટી દ્રવિડ મુન્નેત્ર કડગમ (DMK)એ પોતાની ચૂંટણી રણનીતિની કામગીરી પ્રશાંત કિશોરને સોંપી છે. આ વાતની જાણકારી ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને ટ્વિટ કરીને આપી હતી. એમકે સ્ટાલિને ટ્વિટમાં કહ્યું કે, તમને જણાવતા આનંદ થાય છે કે તમિલનાડુના તેજસ્વી અને સમાન વિચારધારા ધરાવતા આઈ-પીએસી અમારી સાથે જોડાઈ રહ્યા છે. 2021ની ચૂંટણીમાં અમારી સાથે કામ કરશે. ડીએમકે છેલ્લા 10 વર્ષથી તમિલનાડુની સત્તામાંથી બહાર છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સત્તાપક્ષ એઆઈડીએમકેના મુકાબલામાં ડીએમકેને શાનદાર સફળતા મળી હતી. એવામાં પાર્ટીને 2021ની ચૂંટણીમાં સત્તા મળવાની આશા છે. ડીએમકે અને કૉંગ્રેસ લાંબા સમયથી ગઠબંધન સહયોગી છે. આઈ-પીએસી પ્રશાંત કિશોરની સંસ્થા છે જે રાજકિય પક્ષોના પ્રચારની જવાબદારીનું કામ કરે છે. પ્રશાંત કિશોર પ્રથમ વખત 2014ની લોકસભા ચૂંટણીમાં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી હતી. ચૂંટણીમાં પીએમ મોદીને ખૂબ સફળતા મળી હતી. પ્રશાંત કિશોરની સંસ્થા આઈ-પીએસીએ 2019માં ઓરિસ્સામાં નવીન પટનાયકની પાર્ટી બીજેડી અને આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆર કૉંગ્રેસ માટે કામ કર્યું અને બંને પક્ષ સત્તામાં છે. પ્રશાંત કિશોર હાલ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી માટે કામ કરી રહ્યા છે.