Three Shooters Shifted : એક સમયે આખા ઉત્તર પ્રદેશને ધ્રુજાવનારા માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ અને માફિયા બ્રધર્સ તરીકે ઓળખાતા તેમના ભૂતપૂર્વ ધારાસભ્ય ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની બે દિવસ પહેલા જ જાહેરમાં ત્રણ લબરમુચરીયાઓએ 18 જેટલી ગોળીઓ ધરબી દઈને માત્ર 10 જ સેકન્ડમાં ખેલ ખતમ કરી નાખ્યો હતો. અતીક અને અશરફની હત્યા બાદ સરેન્ડર કરનારા ત્રણેય હત્યારાઓને ઉત્તર પ્રદેશની નૈની જેલમાં રાખવામાં આવ્યા હતાં પરંતુ હવે તેમના પર પણ હુમલો થઈ શકે છે તેવી ભિતીના પગલે ત્રણેયની તત્કાળ અન્ય જેલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



અતીક અને અશરફની હત્યાના આરોપી ત્રણેય શૂટર્સને સોમવારે નૈની જેલમાંથી પ્રતાપગઢ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. શૂટર્સ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય કડક સુરક્ષા હેઠળ પ્રતાપગઢ જિલ્લા જેલમાં શિફ્ટ કરાયા હતાં. આમ કરવા પાછળનું કારણ અતીક અહેમદનો પુત્ર અલી છે. અલી પણ હાલ નૈની જેલમાં કેદ છે. આ સ્થિતિમાં સુરક્ષાના કારણોસર ત્રણેય શૂટરોને તત્કાળ અર્થે પ્રતાપગઢ જેલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલની રાત્રે અતીક અહેમદ અને અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશ હત્યા કેસની તપાસમાં સામેલ પોલીસ ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક-અશરફની પૂછપરછ કરી રહી હતી. ત્યારબાદ એવી માહિતી મળી હતી કે, ઉમેશની હત્યા કર્યા બાદ હત્યારાઓએ અતીકના ઘરથી 200 મીટર દૂર આવેલા જંગલમાં નાટેના અડ્ડા પર આશ્રય લીધો હતો. નાટે અતીક અહેમદનો ખાણકામનો વ્યવસાય સંભાળતો હતો. પોલીસ અતીક-અશરફ સાથે બેઝ પર પહોંચી અને હથિયારો રિકવર કરીને પરત ફરી હતી.

લગભગ એક કલાક બાદ અતીક-અશરફ મેડિકલ ચેકઅપ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે ત્રણેય શૂટર્સ કેટલાક મીડિયા કર્મચારીઓના સ્વાંગમાં આવ્યા હતાં અને અચાનક અતીક-અશરફ પર 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં બંને માફિયા ભાઈઓ લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ શૂટરોએ આત્મસમર્પણ કર્યું હતું.

15 એપ્રિલે પુત્રને દફનાવવામાં આવ્યો, પિતા અતીક 16ના રોજ

અતીક અહેમદને 5 પુત્રો છે, જેમાંથી ત્રીજો પુત્ર અસદ ઉમેશ હત્યા કેસમાં સામેલ હતો. પુત્ર અસદ 13 એપ્રિલે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોસ્ટમોર્ટમ અને કાનૂની કાર્યવાહી બાદ 15 એપ્રિલના રોજ તેને કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, અસદને તેના દાદા-દાદીની કબરોની વચ્ચે દફનાવવામાં આવ્યો હતો. જ્યારે પુત્રને છેલ્લી વાર પણ ન જોઈ શકવાની ઈચ્છા પણ અતીક અહેમદના મોત સાથે સાથે દફન થઈ ગઈ હતી. અતીકની તે જ રાત્રે હત્યા કરવામાં આવી હતી અને તેને 16 એપ્રિલે તેના પુત્રની કબર પાસે દફનાવવામાં આવ્યો હતો.