નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી દીધી છે. આ  મંજૂરી સાથે જ દેશમાં ટ્રિપલ તલાક કાયદો 19 સપ્ટેમ્બર 2018માં લાગુ થઇ જશે. નોંધનીય છે કે મંગળવારે રાજ્યસભામાંથી ટ્રિપલ તલાક પાસ થયુ હતું. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું.

બે દિવસ અગાઉ લોકસભા બાદ રાજ્યસભામાં પણ ટ્રિપલ તલાક પાસ થયુ હતુ. બિલના પક્ષમાં 99 અને વિપક્ષમાં 84 મત પડ્યા હતા. ત્યારબાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવવામાં આવ્યુ હતું. આ અગાઉ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને સિલેક્ટ કમિટિ પાસે મોકલવાનો પ્રસ્તાવ વોટિંગ બાદ ફગાવી દેવાયો હતો. પ્રસ્તાવના પક્ષમાં 84 અને વિપક્ષમાં 100 મત પડ્યા હતા. બિલના વિરોધ કરનારી પાર્ટીઓએ વોટિંગ દરમિયાન રાજ્યસભામાંથી વોકઆઉટ કરી ગઇ હતી. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેર બંધારણીય ગણાવતા ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઇઓ સામેલ છે.

કાયદો લાગુ થતા મૌખિક અથવા કોઇ અન્ય માધ્યમથી પતિ જો એકવારમાં પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપે છે તો તે ગુનાની શ્રેણીમાં આવશે. ટ્રિપલ તલાક આપવા પર પત્ની પોતે અથવા તેનો સંબંધી કેસ દાખલ કરી શકે છે. એક સમયમાં ટ્રિપલ  તલાક આપવા પર પતિને ત્રણ વર્ષની કેદ અને દંડ બંન્ને થઇ શકે છે. મેજીસ્ટ્રેટ કોર્ટ  તેને જામીન આપી શકે છે.