નવી દિલ્હી: 72માં સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે દેશ એક નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં ધ્યાન ભટકાવનારા મુદ્દાઓ અને નિરર્થક વિવાદોમાં પડવું ના જોઈએ અને ગરીબી, અશિક્ષણ અને અસમાનતાને દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ. સમાજમાં હિંસા માટે કોઇ સ્થાન નથી. આજે આપણે એવા અનેક લક્ષ્યોના ખૂબજ નજીક છે, જેના માટે આપણે વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે.

રામનાથ કોવિંદે કહ્યું, આ રાષ્ટ્ર આપણા બધાનું છે માત્ર સરકારનું જ નથી. એકજૂથ થઈને આપણે દેશના નાગરિકોની મદદ કરી શકીએ છે. એકજૂથ થઈને આપણા જંગલો અને પ્રાકૃતિક ધરોહરોનું સંરક્ષણ કરી શકીએ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં બદલાવ અને વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને તેની પ્રશંસા પણ થઈ રહી છે. તેઓએ કહ્યું કે આપણી સામે સામાજિક અને આર્થિક પિરામિડમાં સૌથી નીચે રહી ગયેલા દેશવાસીઓના જીવન સ્તર ઝડપથી સુધારવાનો અવસર મળ્યો છે. ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત 117 આકાંક્ષી જિલ્લાઓને શામેલ કરવામાં આવ્યા છે જે આઝાદીના સાત દાયકા બાદ પણ વિકાસ યાત્રામાં હજુ પણ પાછળ છે.

રામનાથ કોવિંદે કહ્યું કે, આપણા સમાજમાં હિંસા માટે કોઇ સ્થાન નથી. ગાંધીજીએ આપણને અહિંસાનું શસ્ત્ર આપ્યું છે, જે 21મી સદીમાં પણ એટલું જ લાગુ પડે છે. સ્વાધીનતા માટેના સંઘર્ષમાં દેશના દરેક વિભાગના લોકો સામેલ હતા. દેશમાં વિકાસ અને ગરીબી દુર કરવાનું કામ આપણે બધાએ કરવાનું છે.

વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રનો વિકાસ શહીદોને શ્રદ્ધાંજલિ રહશે. આપણી સ્વતંત્રતાનું કદ બહુ મોટું છે. તેમાં આપણે વિકાસના નવા પરિણામો આપવા પડશે. દેશના સૈનિકો અને ખેડૂતો આપણા માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સૈનિકો કપરી પરિસ્થિતિમાં દેશની સ્વતંત્રતાની રક્ષા કરી રહ્યા છે. સરકાર ખેડૂતો અને સૈનિકો સાથે દરેક વર્ગના લોકો માટે કામ કરી રહી છે. મહિલાઓને પણ સ્વતંત્રતાની સાર્થકતા છે, તેમને ઘરોમાં તેમની સ્વતંત્રતા માટે તક મળવી જોઈએ. તેમને શિક્ષા અને સ્વાસ્થ્ય મુદ્દે સ્વતંત્રતા મળવી જોઇએ.