President Election 2022: મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને લઈને મૂંઝવણમાં છે. પાર્ટીને આશંકા છે કે મુર્મૂના વિરોધના કારણે પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે પંચાયત ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના આદિવાસી મતદારો તેમનાથી નારાજ થઈ શકે છે.
પશ્ચિમ બંગાળની વસ્તીમાં આદિવાસીઓનો હિસ્સો સાતથી આઠ ટકાની વચ્ચે છે. આદિવાસીઓ રાજ્યની 47 વિધાનસભા અને સાત લોકસભા બેઠકોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જે જંગલમહાલ પ્રદેશમાં ફેલાયેલી છે - પુરુલિયા, પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા અને ઝારગ્રામ અને જલપાઈગુડી અને અલીપુરદ્વાર.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામ પર સર્વસંમતિ સાધવામાં તૃણમૂલ કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદનથી પાર્ટીની દુવિધા છતી થઈ છે કે જો NDAએ દ્રૌપદી મુર્મૂને મેદાનમાં ઉતારતા પહેલા વિરોધ પક્ષો સાથે ચર્ચા કરી હોત તો તે સર્વસંમતિથી ઉમેદવાર બની શકી હોત.
મમતાએ દ્રૌપદી મુર્મૂને લઈને આ નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે જો ભાજપે દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મેદાનમાં ઉતારતા પહેલા વિરોધ પક્ષો સાથે ચર્ચા કરી હોત તો તે સર્વસંમતિથી ઉમેદવાર બની શકે તેમ હતી.
દ્રૌપદી મુર્મૂનો કલકત્તા પ્રવાસ
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ આજે કોલકાતા જશે. જ્યાં તે 18 જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદો અને ધારાસભ્યોને મળશે. જણાવી દઈએ કે દ્રૌપદી મુર્મૂ આ દિવસોમાં સાંસદોનું સમર્થન મેળવવા માટે અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ રહી છે અને આ ક્રમમાં તે આજે 11 જુલાઈએ સાંજે કોલકાતા પહોંચશે.