ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પરથી ભોપાલ-ઇન્દોર વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સહિત પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ, ગોવા (મડગાંવ)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. 'મેરા બૂથ-સબસે મજબૂત' અભિયાન હેઠળ પીએમ મોદીએ ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકરોને સંબોધિત કર્યા હતા.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે મધ્યપ્રદેશની ધરતીએ ભાજપને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ કારણોસર આવા ઊર્જાસભર મધ્યપ્રદેશની ધરતી પર ‘મેરા બુથ સબસે મજબૂત’ આ કાર્યક્રમનો ભાગ બનીને હું આનંદની લાગણી અનુભવું છું. થોડા સમય પહેલા મને દેશના છ રાજ્યોને જોડતી પાંચ વંદે ભારત ટ્રેનને એક સાથે ફ્લેગ ઓફ કરવાની તક પણ મળી હતી. આ આધુનિક વંદે ભારત ટ્રેનની કનેક્ટિવિટી માટે હું મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું.


ભાજપના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું હતું કે  કે તમે આખું વર્ષ તમારા બૂથ પર વ્યસ્ત રહો છો. કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં જે કાર્યક્રમો થઇ રહ્યા છે તેમાં તમે દિવસ રાત જે કામ કરો છો તેની જાણકારી મારા સુધી પહોંચી રહી છે. હું અમેરિકા અને ઇજિપ્તમાં હતો ત્યારે પણ તમારા પ્રયત્નો વિશે માહિતી મેળવતો રહ્યો. ત્યાંથી આવ્યા પછી તમારા બધાને પહેલા મળવાનું મારા માટે વધુ સુખદ છે. ભાજપની સૌથી મોટી તાકાત તમે બધા કાર્યકરો છે.


 






મધ્ય પ્રદેશમાં ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ ભોપાલ અને જબલપુરને જોડશે. તે રાજ્યના અનેક પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. જેમાં ભેડાઘાટ, પંચમઢી અને સતપુડાનો સમાવેશ થાય છે. જ્યારે ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેન રાજ્યના માલવા અને બુંદેલખંડ વિસ્તારોને ભોપાલ સાથે જોડશે. આ દરમિયાન આ ટ્રેન મહાકાલેશ્વર, માંડુ, મહેશ્વર, ખજુરાહો જેવા પર્યટનના મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થશે.






મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ગોવાની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે ચલાવવામાં આવશે. હવે મુંબઈથી ગોવાનું અંતર 7 કલાકમાં કવર કરી શકાશે. આ ટ્રેનમાં 16ને બદલે 8 કોચ હશે.ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ વડાપ્રધાને લીલી ઝંડી બતાવી હતી. ચેન્નઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અહીં પહેલાથી જ દોડી રહી છે. હવે રેલ્વે ધારવાડ-બેંગલુરુ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન કરશે. આ ટ્રેન ધારવાડ, હુબલ્લી અને દાવણગેરેને રાજધાની બેંગલુરુ સાથે જોડશે.






રાંચી-પટના વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેહાનાબાદ, ગયા, બરકાકાના, કોડરમા, હજારીબાગ ટાઉન અને મેસરા થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન પટના અને રાંચી વચ્ચેનું અંતર માત્ર 6 કલાકમાં કાપશે. આ ટ્રેન મંગળવાર સિવાય પટના અને રાંચીથી અઠવાડિયામાં છ દિવસ દોડશે.


જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી મધ્યપ્રદેશ સૌથી મોટું રાજ્ય છે અને તે એકમાત્ર રાજ્ય છે જ્યાં ભાજપની સરકાર છે. આવી સ્થિતિમાં અહીં ભાજપની તાકાત જાળવી રાખવા માટે પીએમ મોદીની આ મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે.