મહારાષ્ટ્રમાં જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ બેઠકોનો ધમધમાટ પણ વધતો જાય છે. પ્રેસ કોન્ફરન્સનો દોર પણ ચાલી રહ્યો છે પરંતુ સરકાર કોણ બનાવશે અને રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન છે. શિવસેનાથી અલગ થયેલી ભાજપ ચુપચાપ મૌન રહીને બધાં જ ખેલ જોઈ રહી છે. જ્યારે આખી રાજનીતિ હવે મુંબઈમાંથી બહાર નિકળીને છેક દિલ્હી સુધી પહોંચી હોય તેવું લાગે છે અને ત્યાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
શિવસેનાના સુત્રોએ દાવો કર્યો છે કે, પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. આ સાથે જ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા આદિત્ય ઠાકરે શિક્ષણ મંત્રાલય જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આદિત્ય ઠાકરે સિવાય શિવસેનાના એકનાથ શિંદે, દિવાકર રાઉતે અને સુભાષ દેસાઈ પણ મંત્રી બનાય તેવી શક્યતા છે.
કોંગ્રેસ તરફથી અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ, બાલાસાહેબ થોરાટ મંત્રી બને તેવી સંભાવના છે. એક ઉપમુખ્યમંત્રી પદ કૉંગ્રેસને આપવાની વાત ચાલી રહી છે. એવામાં કૉંગ્રેસે નક્કી કરવાનું છે કે તેમના કયા નેતા ડિપ્યૂટી સીએમ બનશે. સુત્રોની જાણકારી મુજબ ડિપ્યૂટી સીએમની રેસમાં અશોક ચૌહાણનું નામ સૌથી આગળ છે.
સૂત્રોની જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં ત્રણેય પાર્ટીઓ વચ્ચે જે ફોર્મ્યૂલા નક્કી થયો છે તે મુજબ ચાર ધારાસભ્યો પર એક મંત્રી પદ આપવાની વાત છે. એવામાં શિવસેનાના 56 ધારાસભ્યો પર 14 મંત્રીપદ મળી શકે છે. એનસીપીના 54 ધારાસભ્યો પર 14 મંત્રાલય મળી શકે છે. કૉંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે, તો તેમના ખાતામાં 11 મંત્રાલય આવી શકે છે.