વારાણસીઃગંગા યાત્રાના ત્રીજા અને અંતિમ દિવસે કોગ્રેસ અધ્યક્ષ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચી રહ્યા છે. વડાપ્રધાન મોદીનું સંસદીય ક્ષેત્ર હોવાના કારણે લોકસભા ચૂંટણી અગાઉ પ્રિયંકા ગાંધીનો વારાણસી પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કોગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.

કોગ્રેસના કાર્યકર્તાઓએ પ્રિયંકાના સ્વાગત માટે હર્બલ રંગોના વરસાદની તૈયારીઓ કરી હતી પરંતુ તેને રદ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પુલવામા હુમલાને લઇને પ્રિયંકાએ પાર્ટીનો  હોળી મિલન સમારોહ રદ કર્યો હતો. પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી ગંગાના રસ્તે મીરજાપુર થઇને વારાણસી પહોંચશે. આયોજકોના મતે મીરજાપુરના ચુનાર ગેસ્ટ હાઉસથી બુધવારે વારાણસી માટે નીકળવાનો કાર્યક્રમ છે. અહીં તે ગંગા પાર રામનગર જશે. કહેવામાં આવી રહ્યું છે કે તે રામનગર વિસ્તારમાં સ્થિત પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના ઘર પર જઇ શકે છે. ત્યારબાદ બાબા વિશ્વનાથના દર્શન કરશે. મંદિરોમાં પૂજા-અર્ચના કર્યા બાદ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના ઘર પર જઇને તેમના પરિવારજનોની મુલાકાત કરશે. બાદમાં સાંજે દિલ્હી રવાના થશે. વારાણસીમાં પ્રિયંકા ગાંધી સાત કલાક રોકાશે. દરમિયાન તે પાર્ટી નેતાઓ સાથે બેઠક કરશે.