વારાણસીઃ કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ વારાણસીમાં છે. વારાણસીમાં પ્રિયંકાએ સામાન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. વારાણસીમાં સૌ પ્રથમ પ્રિયંકા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું હતું. પરંતુ પ્રિયંકા ગાંધીના ગયા બાદ ભાજપના કાર્યકર્તાઓએ શાસ્ત્રીની મૂર્તિનું શુદ્ધિકરણ કર્યું હતું. વાસ્તવમાં જ્યારે પ્રિયંકા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીની મૂર્તિને માળા પહેરાવી ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને ગંગા જળથી મૂર્તિનું શુદ્ધિકરણ કર્યું હતું.

નોંધનીય છે કે વારાણસીના રામનગરમાં જ્યારે પ્રિયંકા ગાંધી પહોંચ્યા તો હોબાળો મચી ગયો હતો. પ્રિયંકાના કાર્યક્રમને લઇને ભાજપ અને કોગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને મારામારી કરવા લાગ્યા હતા. પ્રિયંકા આજે વિશ્વનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરશે. પ્રિયંકા ત્રણ દિવસથી પૂર્વોત્તર ઉત્તરપ્રદેશના પ્રવાસ પર હતી. પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીના બ્લોગ પર ટિપ્પણી કરતા કહ્યું કે, આ લોકો જેટલી અમને પીડા આપશે અમે એટલા જ મજબૂતીથી લડીશું.