Priyanka Gandhi Emotional Speech On Rahul : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હવે તેમના ભાઈ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને લઈને ઈમોશનલ કાર્ડ ખેલવાનું શરૂ કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધી જે બેઠક પરથી સાંસદ બન્યાં હતાં તે કેરળના વાયનાડમાં ભાવુક ભાષણ આપતા કહ્યું હતું કે, તેમની પાસે તેમના પતિ અને બાળકો છે પરંતુ રાહુલ એકલા છે. સાથે જ પ્રિયંકાએ અદાણી અને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં.



સંસદ સભ્ય બન્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર વાયનાડ પહોંચ્યા હતાં. તેમની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. પ્રિયંકાએ રાહુલ ગાંધી દ્વારા સરકારી બંગલો ખાલી કરવાને લઈને પણ ભાવુક કિસ્સો શેર કર્યો હતો.

વાયનાડમાં ભાવુક ભાષણ આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, તમે જાણો છો કે તે સૌથી સાચો માણસ છે, કોઈથી ડરતા નથી. સત્તાના દળો તેમને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓ મક્કમ છે. પ્રિયંકાએ રાહુલના ઘરે જવાનો ઈમોશનલ કિસ્સો શેર કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું હતું કે, ગઈ કાલે હું રાહુલના ઘરેથી ફર્નિચર પેક કરી રહી હતી. મને યાદ છે કે, થોડા વર્ષો પહેલા મારા બાળકો અને પતિએ મને અમારું ઘર શિફ્ટ કરવામાં મદદ મારી કરી હતી. મારો પોતાનો પરિવાર છે પણ મારો ભાઈ એકલો છે, તેને મદદ કરવાવાળું કોઈ નથી, તેમ છતાં આપણે બધા તેની સાથે છીએ.

વાયનાડના લોકોને સંબોધતા પ્રિયંકાએ કહ્યું હતું કે, તેમના ભાઈ આ દુનિયાનો સૌથી સાચો વ્યક્તિ છે જે ખુલીને બોલે છે અને કોઈથી ડરતા નથી.





પ્રિયંકાના ભાજપ અને અદાણી પર પ્રહાર


સાથે જ પ્રિયંકા ગાંધી અદાણી અને પીએમ મોદી અને અદાણી પર આકરા પ્રહારો કરવાનું ચુક્યા નહોતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની આખી સરકાર રાહુલ ગાંધી પર નિર્દયતાથી હુમલો કરે છે કારણ કે તેઓ પ્રશ્નો પૂછે છે અને લોકોનો અવાજ ઉઠાવે છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું હતું કે, રાહુલ ગાંધી સત્ય માટે લડી રહ્યા છે અને લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે, તેથી તેમને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, ભાજપના કેટલાક નેતાઓએ કહ્યું કે, કોંગ્રેસે એક વ્યક્તિનો મુદ્દો ઉઠાવ્યો અને તેને જનતાનો મુદ્દો ગણાવ્યો. મને લાગે છે કે, સરકાર એક વ્યક્તિને બચાવવા માટે જ બધું કરી રહી છે. આ વ્યક્તિનું નામ ગૌતમ અદાણી છે.

પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે, આજે સરકારને લાગે છે કે તે કોઈનો પણ અવાજ બંધ કરી શકે છે, એરપોર્ટ અને બંદરો વેચી શકે છે... આખી સરકાર એવી વ્યક્તિનો બચાવ કરી રહી છે જેણે તેમની મદદથી લાખો કરોડો કમાયા છે. પરંતુ ખેડૂતને મદદ નથી કરવામાં આવી રહી. જેઓ દરરોજ 27 રૂપિયા કમાય છે.