Nirmala Sitharaman : પશ્ચિમી દેશોમાં એવી છાપ ઉભી કરવામાં આવી છે કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે. તાજેતરમાં જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લંડન ગયા હતા ત્યારે વિદેશી અહેવાલોને ટાંકીને તેમણે કહ્યું હતું કે, ભારતમાં લઘુમતીઓ સાથે ખોટું થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાના અખબારો આ જ કહી રહ્યા છે. અમેરિકામાં જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સામે આ જ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમણે આંકડા આપતાં ભારત વિરોધી એજન્ડા ચલાવનારાઓની બોલતી બંધ કરી દીધી હતી. નિર્મલા સીતારમણે મોં પર ચોપડાવતા કહ્યું હતું કે, ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવે છે. તેમણે પશ્ચિમના મીડિયાને પણ સણસણતો જવાબ આપ્યો હતો.



ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણને વોશિંગ્ટન ડીસીમાં 'પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ'માં એક ડિબેટ દરમિયાન ઈકોનોમી અને ઈન્વેસ્ટમેન્ટ વિશે સવાલ પૂછવામાં આવી રહ્યા હતા, ત્યારે ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર એક સવાલ સામે આવ્યો. જેનો જવાબ આપતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. જે લોકો લઘુમતીઓના મુદ્દે ભારત સરકાર પર દોષારોપણ કરે છે તેપણે જમીની વાસ્તવિકતાની ખબર જ નથી. એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે, એ લોકો કોણ છે જેઓ દુનિયામાં ભારતની ઈમેજ બગાડી રહ્યા છે? શું ભારતના કેટલાક નેતાઓ તેમના નિવેદનોથી આ તક આપી રહ્યા છે અથવા વિશ્વના કેટલાક મીડિયા જૂથો ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે?

રાહુલે શું કહ્યું હતું?

લંડનમાં મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ રહે છે પરંતુ નરેન્દ્ર મોદી તેમની સાથે બીજા વર્ગના નાગરિકો તરીકે વર્તે છે. જ્યારે રાહુલે આવી વાત કરી તો ભાજપે જડબાતોડ જવાબ આપ્યો હતો. જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. તેની અસર સંસદ સુધી જોવા મળી હતી. રાહુલની માફી માંગવાની માંગ ઉઠવા લાગી છે. ભગવા પાર્ટીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી વિદેશમાં જઈને દેશને બદનામ કરી રહ્યા છે.

આજે નિર્મલા સીતારમણનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તાજેતરમાં રામ નવમી દરમિયાન દેશના ઘણા શહેરોમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને વૈશ્વિક મીડિયાએ તેને બહુમતી અને લઘુમતી વચ્ચેની અથડામણ તરીકે દર્શાવ્યું હતું. જેમાં મુસ્લિમોને પીડિત ગણાવ્યા હતા. તેના દ્વારા દુનિયાને એવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે, ભારતમાં મુસ્લિમો જોખમમાં છે. આ સંદર્ભમાં જ્યારે નિર્મલાને કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે, પશ્ચિમમાં રાજકારણની ધારણા અલગ છે. પશ્ચિમી મીડિયામાં વ્યાપક અહેવાલ છે કે, વિપક્ષી સાંસદ (રાહુલ ગાંધી)નો દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો છે અને ભારતમાં લઘુમતીઓ સામે હિંસા થઈ રહી છે. કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે, શું આ પ્રકારની ધારણા ભારતમાં આવતા વિદેશીએ રોકાણ પર નકારાત્મક અસર પહોંચાડે છે?

નિર્મલાએ કહ્યું હતું કે, આ પ્રશ્નનો જવાબ ભારત આવતા રોકાણકારો પાસે છે અને તેઓ સતત આવી રહ્યા છે. હું ચોક્કસ કહીશ કે તમે ભારત આવો અને જાતે જ જુઓ કે દેશમાં શું થઈ રહ્યું છે. જેઓ ક્યારેય મેદાનમાં ગયા નથી તેમના અભિપ્રાય સાંભળો અને રિપોર્ટ તૈયાર કર્યો છે. નાણામંત્રીએ વધુમાં કહ્યું હતું કે, તેનો અર્થ એ નથી કે તે આ ધારણાને સાચી માની રહી છે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, જો મોટાભાગના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુસ્લિમોનું જીવન મુશ્કેલ બનાવી દેવામાં આવ્યું છે તેમ તેમાં એક અંશ પણ સત્ય હોત તો શું 1947 પછી ભારતમાં મુસ્લિમોની વસ્તી વધી હોત? તેમણે કહ્યું હતું કે, હું તે દેશનું નામ આપવા માંગુ છું, જ્યાંથી તફાવત સ્પષ્ટ રીતે સમજાશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, જ્યારે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં સ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે. પાકિસ્તાનમાં મુહાજીરો (શરણાર્થીઓ), શિયાઓ અને અન્ય લઘુમતીઓ સામે હિંસા થઈ છે જ્યારે ભારતમાં મુસ્લિમોનો દરેક વર્ગ પ્રગતિ કરી રહ્યો છે અને આરામથી જીવી રહ્યો છે.

સીતારમણે કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાને ઈસ્લામિક દેશ જાહેર કર્યો છે. પાકિસ્તાનમાં દરેક લઘુમતી સમૂહની વસ્તી ઘટી રહી છે. સાથો સાથ કેટલાક મુસ્લિમ જૂથોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. નાણામંત્રી શિયા, અહમદિયા અને હજારા સમુદાયનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

મેક ઇન ઇન્ડિયા પર સીતારમણની દુનિયાને બરાબરનું સંભળાવ્યું

મંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. દરેક પ્રાંતની પોતાની ચૂંટાયેલી સરકાર હોય છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ધ્યાન રાખે છે. ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા થઈ રહી છે તે કલ્પના માત્ર એક ભ્રમણા છે. નાણામંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જો કેટલાક લોકો ભારત સરકારને જવાબદાર ઠેરવશે તો શું 2014થી વસ્તીમાં ઘટાડો થયો છે?' સીતારમણે કહ્યું હતું કે, જે લોકો આવા સમાચાર લખે છે, હું તેમને ભારત આવવાનું આમંત્રણ આપું છું... તેમણે ભારત આવીને પોતાની વાત સાબિત કરવી જોઈએ.

વિશ્વની લગભગ 62% મુસ્લિમ વસ્તી તુર્કીથી ઇન્ડોનેશિયા સુધીના પ્રદેશમાં રહે છે, જે એક અબજની વસ્તી ધરાવે છે. ઈન્ડોનેશિયામાં વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી (12.7%) છે.