નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ન દ્વારા સામેલ કરવામાં આવેલા પાંચ નવા પ્રધાનોમાં ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણન પણ છે. તેઓ ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના પ્રથમ પ્રધાન બન્યા છે.


41 વર્ષીય રાધાકૃષ્ણનનો જન્મ ભારતમાં થયો છે. તેમણે શાળાનું શિક્ષણ સિંગાપોરમાં લીધું હતું અને ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ગયા હતાં. તેમણે સતત ઘરેલુ હિંસાની પીડિત મહિલાઓ અને શોષણના શિકાર બનેલા પ્રવાસી મજૂરો માટે માટે અવાજ ઉઠાવ્યો હતો.

પ્રિયંકા રાધાકૃષ્ણન બે વખત ઓકલેન્ડમાંથી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. એમણે ક્રાઈસ્ટચર્ચમાંથી ન્યૂઝીલેન્ડનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું અને લેબર પાર્ટીમાં જોડાઈને 2004થી તેઓ સક્રિય રાજકારણમાં છે.

ગયા વખતના ઓનમ તહેવાર વખતે પ્રિયંકા રાધાકૃષ્ણન એક લાઈવ કાર્યક્રમમાં ઉપસ્થિત થયાં હતાં અને ત્યારે એમની સાથે વડાં પ્રધાન જેસીન્ડા આર્ડર્ન પણ હતાં. બંનેએ કેરળવાસીઓને ઓનમ તહેવારની શુભેચ્છા આપી હતી.

પ્રિયંકા ભારતીય-ન્યૂઝીલેન્ડ મૂળના પ્રથમ પ્રધાન છે. તેઓ પોતાના પતિની સાથે ઓકલેન્ડમાં રહેશે. વડાપ્રધાન અર્ડર્ને નવા મંત્રીઓની જાહેરાત કરતા કહ્યું કે હું કેટલીક નવી પ્રતિભાઓ, ગ્રાઉન્ડ લેવલનો અનુભવ રાખનાર લોકોને સામેલ કરવાને લઈને ઉત્સાહિત છું.

પ્રિયંકાના મોટાભાગના સંબધીઓ ચેન્નાઇમાં રહે છે. તેમના દાદા કેરળમના રાજકારણમાં સક્રિય હતાં. પ્રિયંકા છેલ્લા 14 વર્ષથી ન્યૂઝીલેન્ડની લેબર પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમના પતિ રિચાર્ડસન ક્રાઇસ્ટચર્ચમાં આઇટી સેક્ટરમાં કામ કરે છે.