નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો એક પત્ર સામે આવ્યો છે જેમાં તેમના પિતા રાજીવ ગાંધીનું પોટ્રેટ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરને બે કરોડ રૂપિયામાં વેચ્યાની પુષ્ટી થઇ છે. આ પોટ્રેટ પ્રખ્યાત પેઇન્ટર એમએફ હુસૈને બનાવીને રાજીવ ગાંધીને 1985માં ભેટમાં આપ્યું હતું. પ્રિયંકા ગાંધીની આ ચિઠ્ઠી ચાર જૂન 2010ના રોજ રાણા કપૂરને લખવામાં આવી હતી.


ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, શ્રી એમએફ હુસૈન દ્ધારા બનાવાયેલું મારા પિતા શ્રી રાજીવ ગાંધીનું પોટ્રેટ  ખરીદવા બદલ તમારો આભાર. આ પોટ્રેટ 1985માં કોગ્રેસના શતાબ્દી સમારોહ દરમિયાન રાજીવ ગાંધીને ભેટમાં આપ્યું હતું. આ મારી પાસે હતું.

પ્રિયંકાએ વધુમાં લખ્યું કે, હું ત્રણ જૂન 2010ના રોજ તમારા લખેલા પત્ર અને એચએસબીસી બેન્કના તમારા એકાઉન્ટમાંથી બે કરોડ રૂપિયાના ચેક મળ્યાની પુષ્ટી કરું છું જે પેઇન્ટિંગની ફૂલ  એન્ડ ફાઇનલ ચૂકવણી સાથે સંબંધિત હતો.