ભોપાલઃ કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશમાં પોતાની સરકાર સામે અવાજ ઉઠાવવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, જો કોગ્રેસ જે મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરાને સામેલ કર્યા હતા તેને લાગુ નહી કરે તો અમે રસ્તા પર ઉતરવું પડશે.


સિંધિયાએ ગ્વાલિયરમાં કહ્યું કે હું જનતાનો સેવક છું. જનતાના મુદ્દા માટે લડવું મારો ધર્મ છે. આપણે ધીરજ રાખવી પડશે. જે મુદ્દાઓને આપણે ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યા તેને પુરા કરવા પડશે. જો એવું નહી થાય તો અમારે રસ્તા પર ઉતરવું પડશે.


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને વરિષ્ઠ કોગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે મતભેદ ઓછા થવાનું નામ લઇ રહ્યા નથી. તાજેતરમાં ખેડૂતોના દેવા માફી અને ગેસ્ટ ટિચરના મુદ્દા પર બંન્ને સામ-સામે આવી ગયા હતા. સિંધિયાએ કોગ્રેસના મેનિફેસ્ટોને લાગુ નહી કરવા પર રસ્તા પર ઉતરવાની વાત કરી દીધી હતી.

કમલનાથ કેબિનેટમાં મંત્રી ગોવિંદ સિંહે સિંધિયાને સલાહ આપતા કહ્યુ કે, તે પાર્ટીના સિનિયર નેતા છે અને તેમણે સાર્વજનિક રીતે આવું નિવેદન આપવું જોઇએ નહીં. જો કોઇ રસ્તા પર ઉતરવા માંગે છે તે ઉતરી શકે છે. સરકાર પોતાના વચનો પાંચ વર્ષમાં પુરા કરવા માટે પ્રતિબદ્ધ છે.