નવી દિલ્હી: કેંદ્ર સરકારના કર્મચારી યુનિયનોએ સાતમા પગાર પંચ સામે 11 જુલાઈથી જાહેર કરેલી હડતાલ ચાર મહિના માટે પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. એવુ માનવામાં આવે છે કે, સરકારે તેમની ફરિયાદો ઉપર વિચાર કરીને એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા તૈયાર થઈ ગઈ છે. જેના કારણે યુનિયનોએ પોતાની હડતાલ પાછી ખેંચી છે.


કેંદ્ર સરકારના કર્મચારીઓના યુનિયનોની રાષ્ટ્રીય સંયુક્ત કાર્ય પરિષદ (એનજેસીએ)ના સંયોજક શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પગાર પંચની ભલામણો સામે અમે અમારી હડતાલ ચાર મહિના માટે ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. કારણ કે સરકારે અમને આશ્વાસન આપ્યું છે કે તે અમારી તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને જલ્દીથી ઉકેલ લાવશે અને ઉચ્ચ-સ્તરીય સમિતિની પાસે વિચાર વિમર્શ માટે મોકલશે. બુધવારે યુનિયનોના પ્રતિનિધિઓએ કેંદ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત પછી સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે.