નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ભાજપના ‘અચ્છે દિન’ ચાલી રહ્યા છે. દેશના સૌથી મોટા ઇલેક્ટોરલ ટ્રસ્ટ Prudent Electoral Trustએ ગયા વર્ષે 2017-18માં પોતાના 169 કરોડ રૂપિયાના ફંડમાંથી 144 કરોડ રૂપિયા ભાજપને દાન આપ્યા હતા. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, આ ટ્રસ્ટમાં સહયોગ આપનારી સૌથી મોટી કંપની ડીએલએફ છે. આ કંપનીએ તેમાં 52 કરોડ રૂપિયાનો સહયોગ આપ્યો હતો. ત્યારબાદ ભારતી ગ્રુપે 33 કરોડ રૂપિયા, શ્રોફ ગ્રુપના UPLએ 22 કરોડ રૂપિયા અને ગુજરાતના ટોરન્ટ ગ્રુપે 20 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

ડીસીએમ શ્રીરામે 13 કરોડ, કેડિલા ગ્રુપે 10 કરોડ અને હલ્દિયા એનર્જીએ 8 કરોડ રૂપિયાની સહાયતા કરી હતી. આ ટ્રસ્ટ અગાઉ સત્યા ઇલેક્ટોરલ ટ્રસ્ટના નામે ઓળખાતું હતું. આ ટ્રસ્ટે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી કોગ્રેસને ફક્ત 10 કરોડ રૂપિયા અને ઓડિશાના બીજૂ જનતા દળને પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અગાઉ આ ટ્રસ્ટ અડધો ડઝન રાજકીય પાર્ટીઓને દાન આપી ચૂક્યું છે. જેમાં શિરોમણી અકાળી દળ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળ જેવી પાર્ટીનો સમાવેશ થાય છે.

છેલ્લા ચાર વર્ષથી કોર્પોરેટર ક્ષેત્રની 90 ટકા કંપનીઓ આ ટ્રસ્ટને દાન આપતી રહી છે. એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચે આ ટ્રસ્ટે ભાજપને 18 ઇન્ટોમેન્ટમાં 144 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ ટ્રસ્ટે 2014માં પોતાના કુલ 85.4 કરોડ રૂપિયામાંથી 41.37 કરોડ, 2015મા 141 કરોડ રૂપિયામાંથી 106 કરોડ રૂપિયા, 2016માં 47 કરોડમાંથી 45 કરોડ અને 2017માં 283.73 કરોડ રૂપિયામાઁથી 252.22 કરોડ રૂપિયા ભાજપને દાન આપવામાં આવ્યા છે.

દેશમાં હાલમા 22 રજીસ્ટર્ડ ઇલેક્ટોરલ ટ્રસ્ટ છે. જેમાં સૌથી મોટું Prudent Electoral ટ્રસ્ટ છે. બાદમાં આદિત્ય બિરલા ગ્રુપનું AB General Electoral Trust છે. વર્ષ 2017માં તેણે 21 કરોડ રૂપિયાનું દાન આપ્યું જેમાં તેણે 12.5 કરોડ રૂપિયા ભાજપને આપ્યા છે. કોગ્રેસને ફક્ત એક કરોડ રૂપિયાનું દાન મળ્યું. આંકડાઓ અનુસાર, 2014થી 2017 વચ્ચે 9 રજિસ્ટર્ડ ઇલેક્ટોરલ ટ્રસ્ટોએ રાજકીય દળોને 637.54 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.