શ્રીનગર: ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલાએ દેશને સ્તબ્ધ કરી દીધો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. શહીદ જવાનોની યાદમાં લેથપુરા કેમ્પમાં બનેલા સ્મારકનું શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્મારકમાં તે તમામ 40 શહીદોના નામ સાથે તસવીરો પણ લગાવવામાં આવશે. સાથે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનું ધ્યેય વાક્ય ‘સેવા અને નિષ્ઠા’ પણ હશે.

સીઆરપીએફના અધિકારી જુલ્ફિકાર હસને ગુરુવારે સ્મારક સ્થળની મુલાકાત બાદ કહ્યું કે, આ તે બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની રીત છે, જેમણે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.


હસને કહ્યું, “નિશ્ચિતપણે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને અમે તેમાથી શીખ લીધી છે. અમે પોતાની અવરજવર દરમિયાન હંમેશા સતર્ક રહેતા હતા, પરંતુ હાલ વધુ સર્તકતા વધી ગઈ છે. ” તેમણે કહ્યું કે 40 જવાનોના સર્વોચ્ચ બલિદાને દેશના દુશ્મનોને ખત્મ કરવા અમારો સંકલ્પ મજબૂત બનાવ્યો છે.