નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસિર ખાન પણ સામેલ છે જ્યારે અન્ય બે આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે પુલવામા હુમલામાં મુદ્દસિરનો હાથ હતો. ઇલેક્ટ્રિશીયન મુદ્દસિર 2017માં જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો. તે આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો અને પુલવામા હુમલાના કાવતરામાં સામેલ હતો. સૈન્યએ કહ્યું કે, 21 દિવસમાં 18 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે જેમાં 8 પાકિસ્તાની આતંકી સામેલ હતા.
સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં પિંગલીશમાં તપાસ અભિયાન શરૂ કર્યું હતું. સૈન્યને આતંકીઓની હાજરીની સૂચના મળી હતી. નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ ઘાટીમાં જૈશ-એ-મોહમ્મદને નિશાન બનાવ્યું છે. પુલવામામાં આતંકી આદિલ અહમદ ડારે હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.