નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 13,500 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર સહિત અનેક પાકિસ્તાની આતંકવાદીઓના નામ છે.


એનઆઈએએ જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહર અને તેના સંબંધીઓ અમ્માર અલ્વી, અબ્દુલ રઉફ સહિત 19 લોકોના નામ આપ્યા છે. નીચેના ફોટામાં જોવા મળેલી ગાડીનો ઉપયોગ હુમલામાં કરવામાં આવ્યો હતો અને તસવીરમાં જોવા મળતા લોકોએ હુમલાને અંજામ આપ્યો હતો.



આ આતંકી હુમલાને આદિલ અહેમદ ડાલ નામના આત્મઘાતી આતંકીએ અંજામ આપ્યો હતો. જે મરી ગયો હતો. પરંતુ જે લોકોએ તેને મદદ કરી તેમાં એક મોટી જમાત સામેલ હતી. એનઆઈએ એ આવા લોકોને પોતાની ચાર્જશીટમાં આરોપી બનાવ્યા છે. વળી, પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓને પણ ચાર્જશીટમાં આરોપી બનાવાયા છે.

ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી.