નવી દિલ્હીઃ પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના રહેવાસી શહીદ વીરેન્દ્ર સિંહ રાણાનો પાર્થિવ દેહ તેમના ગામ ખટીમા પહોંચતાં જ શ્રદ્ધાજંલિ આપવા લોકો ઉમટી પડ્યા હતા. રાજકીય સન્માનની સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ધારાસભ્ય પુષ્કર સિંહ ધામીએ શહીદના પાર્થિવ દેહને કાંધ આપી હતી. વીરેન્દ્ર સિંહના અઢી વર્ષના દીકરાએ તેમને મુખાગ્નિ આપી હતી.




પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના એએસઆઈ મોહનલાલ રતૂડીનો પાર્થિવ દેહ શનિવારે સવારે દેહરાદૂન સ્થિત તેમના ઘરે પહોંચતા જ વાતાવરણ ગમગીન બની ગયું હતું. તેમની દીકરીએ પિતાને સેલ્યૂટ કરી અને પાર્થિવ દેહને જોતી જ રહી. અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.



ઉત્તરપ્રદેશના મહારાજગંજના રહેવાસી શહીદ સીઆરપીએફ જવાન પંકજ ત્રિપાઠીનું શબ જ્યારે ઘરે પહોંચ્યું ત્યારે તેમના ગામમાં હજારો લોકો હાજર રહ્યા હતા.




ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના મેજા વિસ્તારમાં રહેતા શહીદ મહેશ યાદવનું પાર્થિવ શરીર ગામમાં પહોંચતાં જ હાજર લોકોએ પાકિસ્તાના મુર્દાબાદના નારા લગાવ્યા હતા. લોકોએ મહેશ યાદવના નામે પેટ્રોલ પંપ, ગેસ એજન્સી આપવામાં આવે, ગામની સડકનું નામ તેમના પરથી રાખવામાં આવે તેવી માંગ કરી હતી.



હુમલામાં મેનપુરીમાં સીઆરપીએફની 176મી બટાલિયનના જવાન રામ વકીલ પણ શહીદ થયા હતા. તેમના પૈતૃક ગામ વિનાયકપુર બરનાહલમાં રાજકીય સન્માન સાથે થયા હતા.



તામિલનાડુના સીઆરપીએફ કોન્સ્ટેબલ સુબ્રમણ્યમ જીની તુતિકોરિનમાં કોવિલ પટ્ટી ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.



બિહારના ભાગલપુરના સીઆરપીએફ કોન્સ્ટેબલ રતન કુમાર ઠાકુરનો પાર્થિવ દેહ આવી પહોંચ્યો હતો. તેમના પિતાએ કહ્યું કે, હું મારા બીજા પુત્રને પણ મોકલવા તૈયાર છું પરંતુ પાકિસ્તાનને આનો જડબાતોડ જવાબ આપવો જોઈએ.



ઓડિશાના સીઆરપીએફ હેડ કોન્સ્ટેબલ પીકે સાહૂના ભુવનેશ્વરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.