પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને શિરોમણી અકાળી દળ અને બહુજન સમાજ પાર્ટી સાથે મળી ચૂંટણી મેદાનમાં ઉતરશે. રાજ્યોમાં યોજાનારી કુલ 117 વિધાનસભા બેઠકોમાંથી ચૂંટણીમાં 20 બેઠકો પર બસપા પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે બાકી 97 બેઠકો પર અકાળી દળ પોતાના ઉમેદવારો ઉતારશે. ગઠબંધન બાદ બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આ ગઠબંધન રાજ્યમાં વિકાસના નવા યુગની શરુઆત કરશે. 


માયાવતીએ ટ્વિટ કરી કહ્યું, 'પંજાબમાં આજે શિરોમણિ અકાળી દળ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા જાહેર ગઠબંધન એક નવી રાજકીય અને સામાજિક પહેલ છે,જે  અહી રાજ્યમાં જનતાના વિકાસ, પ્રગતિ ખુશી અને એક નવા યુગની શરુઆત કરશે. આ ઐતિહાસિક પગલા માટે લોકોને હાર્દિક શુભકામનાઓ.'


કૉંગ્રેસ પર નિશાન સાધ્યું


બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું, આમ તો પંજાબમાં દરેક સમાજ કૉંગ્રેસ પાર્ટીના શાસનમાં ગરીબી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી વગેરે સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ તેનાથી સૌથી વધુ માર દલિતો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ વગેરે પર પડી છે, જેનાથી મુક્તિ મેળવવા માટે ગઠબંધનને સફળ બનાવવું જરુરી છે. 


તેમણે કહ્યું, પંજાબની તમામ જનતાને અપીલ છે કે તેઓ અકાળી દળ અને બસપા વચ્ચે થયેલા આ ઐતિહાસિક ગઠબંધનને પોતાનુ પૂર્ણ સમર્થન આપતા વર્ષ 2022ની શરુઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધનની સરકાર બનાવવા માટે અત્યારથી કામે લાગી જાઓ. 


પ્રકાશ સિંહ બાદલે માયાવતી સાથે કરી વાત


ગઠબંધન બાદ અકાળી દળના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલે બસપા સુપ્રીમો માયાવતી સાથે ફોન પર વાત કરી અને ગઠબંધન માટે શુભેચ્છાઓ આપી હતી.  પ્રકાશ સિંહ બાદલે કહ્યું, 'અમે લોકો ટૂંક સમયમાં તમને પંજાબ આવવા માટે આમંત્રણ આપશું.'



ક્યાંથી લડશે બસપા 


બીએસપીના હિસ્સામાં જાલંધરના કરતારપુર સાહિબ, જાલંધર પશ્ચિમ, જાલંધર ઉત્તર, ફગવાડા, હોશિયારપુર સદર, દાસુયા, રુપનગર જિલ્લામાં ચમકોર સાહિબ, પઠાણકોટ જિલ્લામાં બસ્સી પઠાના, સુજાનરપુર, અમૃતસર ઉત્તર અને અમૃતસર મધ્ય વગેરે બેઠકો આવી છે. 


સપ્ટેમ્બર 2020માં સંસદમાં પસાર ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં અકાળી દળ એનડીએથી અલગ થયું હતું. અલગ થવા પહેલા પંજાબમાં અકાળી દળ અને ભાજપ મળીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.