નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવતી હતી ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ઉભી થઈ હતી. જેનો ઘણા લોકોએ કાળાબજારી કરીને લાભ ઉઠાવ્યો હતો. રેમડેસિવિરની સાથે ટોસિલિઝુમેબની માંગમાં પણ વધારો થયો હતો. જોકે આ દરમિયાન આજે મળેલી જીએસટી કાઉન્સિલની 44મી બેઠકમાં રેમડેસિવિરને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.


જીએસટી કાઉન્સિલે 30 સપ્ટેમ્બર 2021 સુધી રેમડેસિવિર પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. જ્યારે ટોસિલિઝુમેબ અને Amphotericin બી પર કોઈ ટેક્સ નહીં લેવામાં આવે. આ સિવાય મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કોન્સ્ટ્રેટર, વેન્ટિલેટર, બાયપેપ મશીન, હાઈફ્લો નસલ કેનુલા, કોવિડ ટેસ્ટિંગ કિટ, પલ્સ ઓક્સિમીટર પર પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય  હેન્ડ સેનિટાઇઝર, ટેમ્પરેચર ચેક ઈક્વિપમેન્ટ પર જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. જ્યારે એમ્બ્યુલન્સ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. સીતારમણે એમ પણ કહ્યું કે, રસી પર 5 ટકા જીએસટી યથાવત રહેશે.  




ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સતત પાંચમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 84332 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4002 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.



  • કુલ કેસઃ બે કરોડ 93 લાખ 59 હજાર 155

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 79 લાખ 11 હજાર 384

  • એક્ટિવ કેસઃ 10 લાખ 80 હજાર 690

  • કુલ મૃત્યુઆંકઃ 3,67,081


દેશમાં 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છ. ભારતમાં સતત 30માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 24 કરોડ 96 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 33 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.24 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.