નવજોતસિંહ સિદ્ધુએ ગત સપ્તાહમાં ટ્વિટ કરી જણાવ્યું હતું તેમણે પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સિદ્ધુએ જણાવ્યું હતું કે, તેણે પોતાનું રાજીનામું 10 જૂનના રોજ રાહુલ ગાંધીને સોંપ્યું હતું. જો કે તેના પાછળ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સિદ્ધુએ મુખ્યમંત્રીની જગ્યાએ રાહુલ ગાંધીને શા માટે મોકલ્યું, જો કે તેઓ હવે કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુક્યા છે.
મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિદ્ધુ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કોગ્રેસને સારી બેઠકો નહી મળવાનો દોષ અમરિંદર સિંહે સિદ્ધુ પર ઢોળ્યો હતો અને કેન્દ્રિય નેતૃત્વ વિરુદ્ધ સિદ્ધુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એટલું જ નહી મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી બાદ છ જૂનના રોજ થયેલી કેબિનેટની પ્રથમ જ બેઠકમાં સિદ્ધુ સહિત અનેક મંત્રીઓના વિભાગ બદલ્યા હતા. સિદ્ધુ પાસે પહેલા સ્થાનિક સ્વશાસન વિભાગ હતો પરંતુ બાદમાં તેમને ઉર્જા અને નવીનીતકરણ ઉર્જા વિભાગ સોંપાયો હતો.