ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નાગરિકતા સંશોધન બિલને લઈને કહ્યું કે, આ બિલ કોઈપણ ભોગે પંજાબમાં લાગુ નહીં થાય. આ બિલને રોકવા માટે જલ્દીજ પંજાબ વિધાનસભામાં એક પ્રસ્તાવ લાવવામાં આવશે. તેમણે આ બિલને ગેરબંધારણીય અને દેશના ભાગલા પાડનારું ગણાવ્યું છે.

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ બંધારણના સિદ્ધાંતો અને મુલ્ય વિરુદ્ધ હતું. તેઓએ કહ્યું કે આ પ્રકારના બંધારણીય ઉલ્લંઘનને પોતાના શાસનમાં થવા દેશે નહીં. તેમણે કહ્યું- “ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે જાહેર થયા બાદ તમે ભારતીય આબાદીના એક મોટા હિસ્સાને કોઈ રીતે બાકાત રાખી શકો. ”


ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભા અને રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 125 મત મળ્યા હતા જ્યારે બિલના વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. જેમની મંજૂરી બાદ બિલ કાયદો બની જશે. આ બિલનો પૂર્વોત્તર રાજ્યમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.

બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે.