ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ખેડૂત આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારના એક-એક સભ્યને નોકરી અનં પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની સરહદ પર કૃષિ કાયદા વિરુદ્ધ બે મહિનાથી પ્રદર્શન કરી રહ્યાં છે. આજે આંદોલનનો 58મો દિવસ છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, આંદોલન દરમિયાન અનેક ખેડૂતોનું અલગ અલગ કારણોસર મોત નીપજ્યું હતું.

તેની વચ્ચે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે અત્યાર સુધી 76 ખેડૂતોના મૃત્યુ થયાની યાદી બની છે. શહીદ ખેડૂતના પરિવાર એક સભ્યને સરકારની નોકરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આજે ખેડૂતો અને કેન્દ્ર સરકાર સાથે મળેલી 11માં તબક્કાની બેઠક પણ નિષ્ફળ રહી હતી. બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, વાતચીતના 11 રાઉન્ડ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે કહ્યું કે, સરકાર દ્વારા સૌથી સારો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે ખેડૂત તેના પર વિચાર કરે.