Punjab Elections 2022: પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરી છે. સમજૂતી અંતર્ગત બાડપ 65 સીટ પર ચૂંટણી લડશે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ 37 તથા સુખદેવ સિંહ ઢીંઢસાની પાર્ટી સંયુક્ત અકાલી દળ ઢીંઢસા 15 સીટ પર ચૂંટણી લડશે.
ગઠબંધનની જાહેરાત કરતાં બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું, પંજાબ બોર્ડર પર આવેલું રાજ્ય છે. દેશના સુરક્ષા માટે પંજાબમાં સ્થિર અને મજબૂત સરકાર બનાવવી જરૂરી છે. પાકિસ્તાનની હરકત આપણા દેશ માટે કેવી સાબિત થાય છે તે આપણને ખબર છે. આપણે અહીંયાથી ડ્રગ્સ, હથિયારોની હેરાફેરી થતી જોઈ છે. ગઠબંધનની ઔપચારિક જાહેરાત પહેલા કેપ્ટન અમરિંદર સિંહ અને એસએસ ઢીંઢસાની અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં પંજાબની બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા.
નડ્ડાએ કહ્યું કે પંજાબને આજે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પંજાબ જ્યાં પહેલા વિકાસ તરફ આગળ વધી રહ્યું હતું, આજે તે નીચે સરકી રહ્યું છે. પંજાબને આર્થિક રીતે મજબૂત બનાવવાની જવાબદારી પણ આપણી છે. સ્થિરતા અને સુરક્ષા માટે કેન્દ્ર-રાજ્ય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, આપણે આ પણ યાદ રાખવું જોઈએ.