Punjab Assembly Special Session: પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો આદેશ પાછો ખેંચી લીધો છે. પંજાબના રાજ્યપાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આમ કરવા માટે "વિશિષ્ટ નિયમોની ગેરહાજરી" ને કારણે પંજાબ સરકારે વિશ્વાસ પ્રસ્તાવ માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના વિશેષ સત્રનો આદેશ પાછો ખેંચી લીધો છે.
પંજાબના રાજ્યપાલના આ આદેશ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતુંકે રાજ્યપાલ કેબિનેટ દ્વારા બોલાવવામાં આવેલા સત્રને કેવી રીતે નકારી શકે? પછી લોકશાહી સમાપ્ત થઈ ગઈ છે. બે દિવસ પહેલા રાજ્યપાલે સત્રને મંજૂરી આપી. જ્યારે ઓપરેશન લોટસ નિષ્ફળ થવાનું શરૂ થયું અને નંબરો પૂરા ન થયા, ત્યારે ઉપરથી એક ફોન આવ્યો કે મંજૂરી પરત લઇ લેવામાં આવે. આજે દેશમાં એક બાજુ બંધારણ છે અને બીજી બાજુ ઓપરેશન લોટસ છે."
પંજાબ સરકાર દ્વારા વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું
પંજાબ કેબિનેટે વિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે 22 સપ્ટેમ્બરે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવવાની મંજૂરી આપી હતી. મંગળવારે મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીએમ માને સોમવારે જાહેરાત કરી હતી કે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે. AAPએ ભારતીય જનતા પાર્ટી પર પંજાબમાં સરકારને તોડવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પંજાબ વિધાનસભાની સ્થિતિ શું છે?
શાસક પક્ષે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેમના ઓછામાં ઓછા 10 ધારાસભ્યોનો છ મહિના જૂની સરકારને તોડવા માટે પ્રત્યેકને 25 કરોડ રૂપિયાની ઓફર સાથે ભાજપે સંપર્ક કર્યો હતો. 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં AAP પાસે 92 ધારાસભ્યો સાથે પ્રચંડ બહુમતી છે. જ્યારે કોંગ્રેસના 18 ધારાસભ્યો છે. શિરોમણી અકાલી દળ (SAD) પાસે ત્રણ, ભાજપ પાસે બે અને બહુજન સમાજ પાર્ટી (BSP) પાસે એક છે. એક અપક્ષ સભ્ય પણ છે.
આ પહેલા દિલ્હીની AAP સરકારે પણ વિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પણ આ માટે પરવાનગી આપી હતી. સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા 29 ઓગસ્ટે રજૂ કરાયેલા વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 1 સપ્ટેમ્બરે મતદાન થયું હતું.