નવી દિલ્હીઃ પંજાબના મહત્વના રાજકીય ઘટનાક્રમમાં કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું.  અમરિંદરના રાજીનામા બાદ પંજાબના નવા મુખ્યમંત્રી પસંદ કરવા આજે 11 વાગે પંજાબ કોંગ્રેસ ભવનમાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સીએમની જાહેરાત થવાની શક્યતા છે.


રાહુલ ગાંધીના ઘરે મોડે સુધી બેઠક


દિલ્હીમાં ગઈકાલે મોડી રાત સુધી રાહુલ ગાંધીના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી (સંગઠન) કેસી વેણુગોપાલ અને અંબિકા સોની ઉપસ્થિત રહ્યા હતા. નવા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સિદ્ધુ ઉપરાંત, કોંગ્રેસ પંજાબ એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ, ભૂતપૂર્વ મંત્રીઓ સુખજિંદર સિંહ રંધાવા, ત્રિપત રાજિન્દર સિંહ બાજવા અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવાનાં નામ મોખરે છે. જોકે સુનીલ જાખડના નામ સામે ઘણા ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. આ નામો ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અંબિકા સોની, બ્રહ્મ મોહિન્દ્રા, વિજય ઈન્દર સિંગલા, પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કુલજીત સિંહ નાગરા વગેરેના નામો પણ ચર્ચામાં છે.


કેપ્ટને રાજીનામા બાદ શું કહ્યું


કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, 'સોનિયા ગાંધીએ તેમને સવારે ફોન કર્યો હતો તે સમયે તેઓ હાજર નહોતા. પાછા આવ્યા બાદ તેમનો મિસ્ડ કોલ જોઈને મેં કોલબેક આપ્યો હતો અને મેડમ આ સીએલપીનું શું ચાલી રહ્યું છે તેવો સવાલ કર્યો હતો. આવામાં હું રાજીનામુ આપી દઈશ. મને લાગી રહ્યું છે કે મારે રાજીનામુ આપી દેવું જોઈએ. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઓકે, તમે રાજીનામુ આપી શકો છો. મેં કહ્યું ઠીક છે, હું રાજીનામુ આપી દઈશ. ત્યાર બાદ તેમણે કહ્યું સોરી અમરિંદર. મેં તેમને કહ્યું કે, ધેટ્સ ફાઈન, ધેટ્સ ઓકે.'  કેપ્ટન અમરિંદરે રાજીનામુ આપ્યા બાદ પંજાબ કોંગ્રેસ ચીફ નવજોત સિંહ સિદ્ધુ પર બરાબરનો હુમલો બોલાવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે, જ્યારે તેમણે રાજીનામુ આપવાની વાત કરી ત્યારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફોન પર તેમને 'આઈ એમ સોરી અમરિંદર' કહ્યું હતું.