Pushkar Singh Dhami Oath-taking Ceremony:  પુષ્કર સિંહ ધામીએ આજે ​​દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમને રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત) દ્વારા પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ મંચ પર હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ તરત જ પુષ્કર સિંહ ધામી વડાપ્રધાન મોદીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ધામી રાજ્યના 12મા મુખ્યમંત્રી બન્યા છે.


પુષ્કર સિંહ ધામી બાદ સતપાલ મહારાજે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.  સતપાલ ઉપરાંત ધન સિંહ રાવત, ગણેશ જોશી, રેખા આર્ય, સુબોધ ઉનિયાલ, સૌરવ બહુગુણા, પ્રેમચંદ અગ્રવાલ અને ચંદન રામ દાસને પણ રાજ્યપાલે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.






ધામી સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા


પુષ્કર સિંહ ધામી સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. તેઓ રાજ્યના 12મા મુખ્યમંત્રી છે.  અગાઉ જુલાઈ 2021માં તીરથ સિંહ રાવતે રાજીનામું આપ્યા બાદ ભાજપે પુષ્કર સિંહ ધામીને રાજ્યની કમાન સોંપી હતી. નિરીક્ષક અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સહ-નિરીક્ષક અને વિદેશ રાજ્ય પ્રધાન મીનાક્ષી લેખીની હાજરીમાં સોમવારે સાંજે બીજેપી રાજ્ય મુખ્યાલયમાં યોજાયેલી ભાજપ વિધાનમંડળ પક્ષની બેઠકમાં પુષ્કર સિંહ ધામીને સર્વસંમતિથી તેના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પુષ્કર સિંહ ધામી ખટીમા બેઠક પરથી હારી ગયા છે. હાર છતાં ભાજપે તેમનામાં વિશ્વાસ મુક્યો છે. પુષ્કર સિંહ ધામીએ હવે 6 મહિનામાં જીતીને વિધાનસભાના સભ્ય બનવું પડશે. પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યમંત્રી રહ્યા છે. તેમણે ગયા વર્ષે 45 વર્ષની વયે સત્તા સંભાળી હતી.


આવી રહી છે ધામીની રાજકીય સફર


પુષ્કર સિંહ ધામીએ પોતાની રાજકીય કારકિર્દી 1990માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે શરૂ કરી હતી અને બે વખત ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે સ્થાનિક યુવાનો માટે ઉદ્યોગોમાં નોકરીઓ આરક્ષણ માટે ઝુંબેશ ચલાવી હતી.


પુષ્કર સિંહ ધામીના પિતા લશ્કરમાં સુબેદાર તરીકે નિવૃત્ત થયા હતા. તેમનો જન્મ પિથોરાગઢના ટુંડી ગામમાં થયો હતો, ધામીનો પરિવાર તેમના મૂળ ગામ હરખોલાથી ત્યાં શિફ્ટ થયો હતો. જ્યારે પુષ્કર સિંહ ધામી ધોરણ 5માં હતા ત્યારે તે ખટિમામાં રહેવા ગયો, જે પાછળથી ધામીની 'કર્મભૂમિ' બની. તેઓ ત્યાંથી બે વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપન અને ઔદ્યોગિક સંબંધોમાં ગ્રેજ્યુએટ થયા અને કાયદાની ડિગ્રી પણ ધરાવે છે.