નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઇને થયેલા નવા ખુલાસા બાદ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને નિશાન બનાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું દેશના યુવાઓને કહેવા માંગુ છું કે હિન્દુસ્તાનના વડાપ્રધાન ભ્રષ્ટ છે. રાફેલ મામલામાં વડાપ્રધાન મોદી પર આરોપ લાગી રહ્યા છે પરંતુ તેઓ ચૂપ છે. રાહુલ ગાંધીએ અનિલ અંબાણીનો ફાયદો પહોચાડવાની વાત કરી હતી. રાહુલે કહ્યુ કે, વડાપ્રધાને 30 હજાર કરોડ રૂપિયા એરફોર્સ પાસેથી લઇને અનિલ અંબાણીના ખિસ્સામાં આપી દીધા. નોંધનીય છે કે  આ અગાઉ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ચોર કહ્યા હતા.

કોગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રાફેલ પર અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, હિન્દુસ્તાનના વડાપ્રધાને તેમને કહ્યુ હતું કે, અનિલ અંબાણીને રાફેલનો કોન્ટ્રાક્ટ મળવો જોઇએ. હવે રાફેલ કંપનીની સીનિયર એક્ઝીક્યુટિવે પણ આ વાત કરી છે. તેણે કહ્યું કે, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાફેલ સીનિયર એક્ઝીક્યૂટિવે એ સ્પષ્ટ વાત કરી હતી કે વડાપ્રધાને અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાનને અમે લોકસભામાં સવાલ પૂછ્યા હતા. આખો દેશ રાફેલને લઇને વાત કરી રહ્યો છે. વડાપ્રધાન એક પણ શબ્દ બોલતા નથી. સાંભળ્યું છે કે નિર્મલા સીતારમણ ફ્રાન્સ ગયા છે. ખબર નથી કે એટલી ઇમરજન્સી શું આવી ગઇ  કે સંરક્ષણ મંત્રીએ ફ્રાન્સ જઇને દસોલ્ટ ફેક્ટરી જવાના છે. તમે કલ્પના કરી શકો છો કે શું થઇ રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, 30 હજાર કરોડ રૂપિયા હિન્દુસ્તાનના વડાપ્રધાને અનિલ અંબાણીના ખિસ્સામાં આપી દીધા છે. વડાપ્રધાને કહ્યુ હતું કે હું વડાપ્રધાન નથી ચોકીદાર બનવા માંગું છું. હવે ખ્યાલ આવ્યો કે તેઓ અંબાણીના વડાપ્રધાન છે. આ હિન્દુસ્તાનના વડાપ્રધાન છે. તમારા વડાપ્રધાન અનિલ અંબાણીની ચોકીદારી કરી રહ્યા છે. આનાથી સ્પષ્ટ કરપ્શન કેસ થઇ ના શકે.

ફ્રાન્સની મીડિયાએ રાફેલ ડીલને લઇને ખુલાસો કર્યો હતો કે દસોલ્ટ કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ સિવાય કોઇ વિકલ્પ આપવામાં આવ્યો નહોતો. જોકે, કંપનીએ આ પ્રકારની કોઇ વાત હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યુ હતું કે, કંપની કોઇ પણ ભારતીય કંપનીની પસંદગી કરવા માટે સ્વતંત્ર છે.