નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા ફરી એક વખત રાફેલ મુદ્દો ગરમાયો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે સ્વીકાર્યું કે, રક્ષા મંત્રાલયમાંથી ફાઇલો ખોવાઇ ગઇ છે. આ અંગેના રિપોર્ટ પણ અખબારમાં પ્રસિદ્ધ થયા બાદ વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


રાહુલે કહ્યું કે, એક નવી લાઇન નીકળી છે. ગાયબ થઈ ગયું. 2 કરોડ યુવાઓની રોજગારી ગાયબ થઈ ગઈ, ડોકલામ ગાયબ થઈ ગયું, જીએસટીનો ફાયદો ગાયબ થઈ ગયો અને હવે રાફેલની ફાઇલો પણ ગાયબ થઈ ગઈ. સરકારનું લક્ષ્ય માત્ર ચોકીદારને બચાવવાનો છે. ફાઇલો ગુમ થઈ છે તેનો મતબલ સ્પષ્ટ છે કે કાગળોમાં સચ્ચાઈ છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી સોદાબાજી કરી રહ્યા હતા. હવે દરેક લોકો કરી રહ્યા છે. રાફેલ ડીલમાં નરેન્દ્ર મોદીએ બાઇપાસ સર્જરી કરી છે. આ સરકારમાં રાજમાં રોજગાર-ખેડૂતોની સાથે રાફેલની ફાઇલો ગુમ થઈ રહી છે. મોદી સરકારનું કામ બધું ગાયબ કરવાનું છે. જેમના નામ કાગળોમાં છે તેમના પર કાર્યવાહી થવી જોઈએ.


રાફેલની ફાઇલમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી સમાંતર ડીલ કરી રહ્યા હતા. યુપીએની ડીલમાં રાફેલ સમયસર આવી જાત, પરંતુ અંબાણીના કારણે રાફેલ આવવામાં વિલંબ થયો છે. ફાઇલમાં લખ્યું છે કે પીએમઓ દખલ આપી રહ્યું હતું. પ્રધાનમંત્રીની સાથે સાથે બધાની તપાસ થવી જોઈએ. જે પીએમ પર આરોપ લગાવે છે તેમની તપાસ થઈ શકે છે. પરંતુ જ્યાં પીએમનું નામ આવે છે તેની તપાસ કેમ નથી થતી.?  મને એક વાત સમજવામાં નથી આવતી કે પ્રધાનમંત્રી દોષી નથી તો ખુદ તપાસ કરાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કેમ નથી કરી દેતા.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પ્રધાનમંત્રી પર પણ કાર્યવાહી થવી જોઈએ. પીએમે જ સીબીઆઈ ચીફને હટાવ્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. મોદીએ અનિલ અંબાણીને 30 હજાર કરોડનો ફાયદો કરાવ્યો હતો.