નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ભારત સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં સુસ્તી નજરે પડી રહી છે. જેમાંથી બહાર નીકળવા માટે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF)એ સલાહકાર ગ્રુપની રચના કરી છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને પણ સામેલ કરવામાં આવ્યા છે.


IMF પ્રમુખને સલાહકારોનું આ ગ્રુપ કોરોના સંકટ બાદ વૈશ્વિક અર્થતંત્રને બહાર કાઢવાની સલાહ આપશે. આ ઉપરાંત વિશ્વભરમાં થઈ રહેલા બદલાવ અને નીતિગત મુદ્દાની સમીક્ષા કરીને તેમનો મત વ્યક્ત કરશે. IMF પ્રમુખ જોર્જીવાએ કહ્યું, કોરોના વાયરસ મહામારીના કારણે સામે આવી રહેલા પડકારોનો સભ્ય દેશો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે નક્કર પગલા લેવાની જરૂર છે.

તેમણે કહ્યું, અમારે આઈએમએફના અંદરના સ્ત્રોતની સાથે બહારના સ્ત્રોતોના ગુણવત્તાસભર અભિપ્રાય અને વિશેષજ્ઞતાની જરૂર છે. આ દિશામાં સેવા પ્રદાન કરવા માટે ઉચ્ચ નીતિગત અનુભવવાળા લોકોથી લઈ બજાર અને ખાનગી ક્ષેત્રના વિશેષજ્ઞ સહમત થયા તેની મને ખુશી છે.

રઘુરામ રાજન ત્રણ વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચુક્યા છે. હાલ તેઓ શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આરબીઆઈ ગવર્નર તરીકે તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2016માં સમાપ્ત થયો હતો.