નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબૂ નાયડુએ કહ્યું કે, લોકતંત્ર, બંધારણ અને દેશને બચાવવા અમે બધા એક થયા છીએ. તેલુગુ દેશમ પાર્ટીએ દેશની રાજનીતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. અમે કોગ્રેસનો હાથ લોકતંત્રની મજબૂરીને કારણે પકડ્યો છે. 2019ની ચૂંટણી બાદ તમામ પાર્ટીઓ મળીને વડાપ્રધાન નક્કી કરીશું. તેમણે કહ્યું કે, મારો કોઇ પ્રયાસ નથી કે ચૂંટણી અગાઉ મારા નામ પર સહમતિ થાય કારણ કે મને વડાપ્રધાન બનવાની કોઇ ઇચ્છા નથી. મને 1995માં વડાપ્રધાન બનવાનુ આમંત્રણ મળ્યું હતું પરંતુ મેં તેનો ઇનકાર કરી દીધો હતો.


નાયડુએ કહ્યું કે, મોદી અને એનડીએની સરકારથી આખો દેશ પરેશાન છે. દેશના ખેડૂતો, વ્યાપારીઓ, સામાન્ય જનતા પરેશાન છે. હું જ્યારે એનડીએમાં હતો ત્યારે પણ મેં તેનો વિરોધ કર્યો હતો. આજે અલગ થયા બાદ પણ તેનો વિરોધ કરી રહ્યો છું. હું મોદીનો વિરોધી નથી પરંતુ તેની નીતિઓ યોગ્ય નથી. ગોધરાકાંડ વખતે પણ મેં ગુજરાતના  તત્કાલિન મુખ્યમંત્રી મોદીનો વિરોધ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ દેશને નિરાશ કર્યો છે. મારુ માનવું છે કે વિકાસ વિના આપણે આગળ વધી શકીએ નહીં. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો બતાવે છે કે મોદી અને એનડીએ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે.