Rahul Gandhi America Tour Latest News: અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ ટેક્સાસમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, "આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોની વિવિધતા છે. અમે માનીએ છીએ કે દરેકને સામેલ થવાની મંજૂરી આપવામાં આવવી જોઇએ, સપના જોવાની મંજૂરી આપવી જોઇએ અને તેની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઇતિહાસની પરવા કર્યા વના તેને જગ્યા આપવી જોઇએ.






 લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટેક્સાસમાં આયોજિત આ કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે આ એક લડાઈ છે અને આ લડાઈ 2024ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ થઈ ગઈ જ્યારે ભારતના કરોડો લોકો સ્પષ્ટપણે સમજી ગયા કે ભારતના વડાપ્રધાન ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે કહ્યું છે તે બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે. એ વાત લોકોને ચૂંટણીમાં સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ અને મેં એવું થતું જોયું.






'લોકો પણ માનતા હતા કે ભાજપ દરેક વસ્તુ પર હુમલો કરી રહી છે'


રાહુલે વધુમાં કહ્યું કે, "જ્યારે હું બંધારણને ટાંકતો હતો ત્યારે લોકો સમજતા હતા કે હું શું કહી રહ્યો છું. તેઓ કહેતા હતા કે ભાજપ આપણી પરંપરા પર હુમલો કરી રહી છે, આપણી ભાષા પર હુમલો કરી રહી છે, આપણા રાજ્યો પર હુમલો કરી રહી છે. સૌથી મહત્વની વાત તે સમજી ગયા કે જે કોઈ પણ ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે તે આપણી ધાર્મિક પરંપરા પર હુમલો કરી રહ્યું છે.






'ભાજપ મારા શબ્દો સહન કરી શક્યું નહીં'


પોતાના જૂના ભાષણનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે મેં સંસદમાં મારા ભાષણમાં અભયમુદ્રાનું વર્ણન કર્યું ત્યારે તમે જોયું હશે કે તે નિર્ભયતાનું પ્રતિક છે અને તે દરેક ભારતીય ધર્મમાં હાજર છે. જ્યારે હું આવું કહી રહ્યો હતો ત્યારે ભાજપ તેને સહન કરી શક્યું નહીં. તેઓ સમજી શકતા નથી અને અમે તેમને સમજાવીશું. બીજી વાત એ થઈ કે લોકોમાંથી ભાજપનો ડર ગાયબ થઈ ગયો. અમે જોયું કે ચૂંટણીના પરિણામો પછી તરત જ, થોડી જ મિનિટોમાં ભારતમાં કોઈ પણ વ્યક્તિ ભાજપ અથવા ભારતના વડાપ્રધાનથી ડરતું નથી. તેથી આ મોટી સિદ્ધિઓ છે.