નવી દિલ્હીઃ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના નાગૌરમાં બે દલિત યુવકો સાથે કથિત રીતે થયેલી બર્બર ઘટનાને ભયાનક ગણાવી હતી. તેમણે પ્રદેશની અશોક ગેહલોતની સરકારે કહ્યું કે, તે આ મામલે તત્કાળ કાર્યવાહી કરે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે, રાજસ્થાનના નાગૌરમાં બે દલિત યુવકો સાથે બર્બરતા કરવાનો એક વીડિયો વાયરલ થયો છે. હું રાજ્ય સરકારને આગ્રહ કરું છું કે તે આ ગુનાના દોષિતોને ઝડપવા માટે તત્કાળ કાર્યવાહી કરે.


આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે સાતેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ઘટનાના તરત જ કાર્યવાહી કરાઇ હતી. દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે. કોઇને છોડવામાં આવશે નહીં.


વાસ્તવમાં બે દલિત યુવકો સાથે બર્બરતાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો રાજસ્થાનના નાગૌરનો છે જેમાં ચોરીના આરોપમાં બે દલિત ભાઇઓને માર મારવામાં આવી રહ્યો છે. એક પેટ્રોલ પંપના કર્મચારીઓએ ચોરીના આરોપમાં બંન્ને ભાઇઓને માર મારી બર્બર વ્યવહાર કર્યો હતો.

કોગ્રેસ રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યુ કે, આ મામલામાં દોષિતો વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા ચલાવવામાં આવે જેથી જલદી ન્યાય થઇ શકે.