Rahul Gandhi convicted: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આજે સુરતની એક કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 2019માં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીને નિશાન બનાવતા સમગ્ર મોદી સમાજને અપમાનિત કરવા બદલ આ સજા આપવામાં આવી હતી. કોર્ટે રાહુલને સજા સંભળાવ્યા બાદ તરત જ જામીન આપ્યા હતા. આવી સ્થિતિમાં, જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ, શું રાહુલને સંસદનું સભ્યપદ ગુમાવવું પડી શકે છે?


આ એ જ કાયદો છે, જેનો પ્રારંભિક મુસદ્દો રાહુલ ગાંધીએ 2013માં એક પત્રકાર પરિષદમાં તેને અપૂરતો ગણાવીને ફાડી નાખ્યો હતો. ત્યારે રાહુલે કહ્યું હતું કે, આ કાયદાને વધુ મજબૂત કરવાની જરૂર છે. બાદમાં આ બિલ યુપીએ-2 સરકારમાં જ કાયદો બની ગયું, કાયદાના જાણકારો કહે છે કે, જો રાહુલે આ જ બિલને પસાર થવા દીધું હોત તો આજે તેમની સંસદ સભ્યપદ પર કોઈ ખતરો ન હોત.


લોકપ્રતિનિધિત્વ અધિનિયમ શું છે?


જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 8(1) અને (2) મુજબ, જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય હત્યા, બળાત્કાર, ધર્મ, ભાષા અથવા પ્રદેશના આધારે દુશ્મનાવટ ઉભી કરે છે, તો તેનું સંસદનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે. ઉપરાંત, આ જ અધિનિયમની કલમ 8(3) માં જોગવાઈ છે કે ધારાસભ્ય અથવા સંસદનું સભ્યપદ બે વર્ષની સજા થયા પછી જ રદ થઈ શકે છે.


આ કાયદાના આધારે એવું માનવામાં આવે છે કે લોકસભા સચિવાલય કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરી શકે છે.


સજા બાદ રાહુલ ગાંધીએ શું કહ્યું?


સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સત્ય મારા ભગવાન છે. તેમણે કહ્યું, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે, સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે. રાહુલે કોર્ટમાં કહ્યું કે, મેં કોઈ સમુદાયને બદનામ કરવા માટે કોઈ નિવેદન આપ્યું નથી. મારો કોઈને નુકસાન કરવાનો ઈરાદો નહોતો. મારો હેતુ માત્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો હતો.


શું છે મામલો


આ કેસની વિગત એવી છે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોરના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ   ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.