Rahul Gandhi Defamation Case: બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવનાર સુરત કોર્ટના નિર્ણય સામે શનિવારે (29 એપ્રિલ) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી વતી કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, રાહુલે ક્યારેય પૂર્ણેશ મોદીનું નામ લીધું જ નથી. જ્યારે રહી વાત મોદી અટકની તો મોદી નામ કોઈ માન્ય વંશીય જૂથનું નથી. આમ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને બદનામ કરી શકે છે. જો એક જ નામના કરોડો લોકો હોય તો દરેક વ્યક્તિ પર કેસ નોંધી શકાતો નથી. જસ્ટિસ હેમંત પ્રાચાક આ કેસની સુનાવણી કરી રહ્યા છે.


સિંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં એક જ્ઞાતિ જૂથ મોદીના નામથી લખે છે, પરંતુ અરજદાર કહે છે કે, દેશમાં મોદી નામના કરોડો લોકો છે, તેથી રાહુલે બધાને બદનામ કર્યા. શું એક નિવેદન માટે કરોડો લોકો કેસ દાખલ કરી શકે છે? તેમણે કહ્યું હતું કે, સુબ્રમણ્યમ સ્વામીએ અપરાધિક માનહાનિના કાયદાને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મેં ત્યાં તેનો વિરોધ કર્યો હતો. તેના જવાબમાં ન્યાયાધીશે સ્મિત સાથે કહ્યું હતું કે, ક્યારેક એવું બને છે કે સર્કલ આખે આખુ ઘુમી જાય છે.


મોદી નામનો કોઈ એક સમુદાય નથી


રાહુલ ગાંધી વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મોઢ, વણિક, રાઠોડ, તેલી ઘણા લોકો મોદી અટક લખે છે. રાહુલના નિવેદનને આ બધા સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે, દેશના 13 કરોડ લોકોની બદનામી થઈ છે. આ કાયદાની મજાક છે અને તેને મંજૂરી ન આપવી જોઈએ.


સિંઘવીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી, નીરવ મોદી, લલિત મોદી તમામની અલગ-અલગ જાતિ છે. રાહુલે વિજય માલ્યા અને મેહુલ ચોક્સીનું નામ પણ લીધું. પૂર્ણેશ મોદી કેવી રીતે કહી શકે કે તેમની જાતિનું અપમાન થયું? મોઢ ઘાંચી અને મોઢ વણિક પણ અલગ-અલગ વર્ગો છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, પૂર્ણેશને કેવી રીતે બદનામ કરવામાં આવ્યા તે સમજની બહાર છે. મોદી નામનો કોઈ એક સમુદાય નથી. ફરિયાદીએ ઓલ ગુજરાત મોદી સમાજ નામની સંસ્થાની મદદથી બતાવવાનો પ્રયાસ કર્યો છે કે મોદી એક સમાજ છે.


બાદમાં પૂર્ણેશ મોદીએ પોતે નામ બદલી નાખ્યું હતું


સિંઘવીએ કહ્યું હતું કે, પૂર્ણેશ મોદીની મૂળ અટક ભુતવાલા છે. તેમણે પોતે જ પછીથી નામ બદલી નાખ્યું. તેમણે સવાલ કર્યો હતો કે, નીચલી અદાલતે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે રાહુલને નિવેદન કરતી વખતે સાવચેત રહેવા કહ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્ણય નવેમ્બર 2019નો છે અને હવે જે નિવેદન માટે રાહુલને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે એપ્રિલ 2019નું છે. સુપ્રીમ કોર્ટના આદેશને 7 મહિના સુધી પાછો લઈ તેને કેવી રીતે લાગુ કરી શકાય? તેમણે દલીલ કરતા કહ્યું હતું કે, અમે મેજિસ્ટ્રેટની આ ભૂલ સેશન્સ કોર્ટમાં કહી હતી, પરંતુ તેની સુનાવણી થઈ ન હતી.


સિંઘવીએ કહ્યું હતું કે, હકીકત એ છે કે, આવા કિસ્સામાં મેજિસ્ટ્રેટે દોષિત ઠેરવવાનું છોડી દો પણ સમન્સ જારી ન કરવું જોઈએ. કેસ બિલકુલ સ્વીકારવો જોઈતો ન હતો. ફરિયાદીનું કહેવું છે કે, નિવેદન સીધું સાંભળવામાં આવ્યું નથી. કોઈએ આ નિવેદન તેમને વોટ્સએપ પર મોકલ્યું હતું. શું આ ફરિયાદનું કારણ બની શકે?


મેજિસ્ટ્રેટની સામે ફરિયાદ નોંધાવ્યાના લગભગ 2 વર્ષ પછી પૂર્ણેશ મોદીને લાગ્યું કે, તેમની પાસે કોઈ પુરાવા નથી, તેથી તેમણે નવી પેન ડ્રાઈવ અને સીડી જમા કરાવી. તેમણે માંગ કરી હતી કે, રાહુલ ગાંધીને ફરીથી સમન્સ જારી કરવામાં આવે. ટ્રાયલ જજે ફેબ્રુઆરી 2022માં તેનો ઇનકાર કર્યો હતો.


આ અરજી 25 એપ્રિલે દાખલ કરવામાં આવી હતી


20 એપ્રિલે સુરત કોર્ટે રાહુલ ગાંધીની દોષિત ઠરાવવાની અરજી ફગાવી દીધી હતી. આ પછી રાહુલ ગાંધીએ મંગળવારે (25 એપ્રિલ) ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કોર્ટના આદેશને પડકાર્યો હતો. જજે રાહુલના માનહાનિના કેસમાંથી પોતાને અલગ કરી લીધા હતા. આ પછી, કેસની સુનાવણી નવા જજ દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી રાહુલના વકીલ પીએસ ચાંપાનેરીએ આપી હતી.


કલમ 504 હેઠળ સજા ફટકારવામાં આવી 


પી.એસ.ચાંપાનેરીએ મોદી સરનેમનો મામલો જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટ સમક્ષ મૂક્યો હતો અને વહેલી સુનાવણીની માંગ કરી હતી, પરંતુ જજે સુનાવણી દરમિયાન જ 'નોટ બી ફોર મી' કહી દીધું હતું. વાયનાડના સાંસદ રાહુલને ગુરુવારે (23 માર્ચ) સુરતની અદાલતે 'મોદી' અટક પર ટિપ્પણી કરવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારી હતી.


2019માં રાહુલ ગાંધીએ કર્ણાટક રેલી દરમિયાન મોદી વિશે ટિપ્પણી કરી હતી, જેના કારણે કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટ કેસ બાદ રાહુલ ગાંધીને સંસદમાંથી પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ કોર્ટે રાહુલને કલમ 504 હેઠળ સજા સંભળાવી હતી.