નવી દિલ્હીઃકોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે શનિવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગર જશે. રાહુલની સાથે વિપક્ષના નવ નેતા પણ શ્રીનગર જશે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર જમ્મુ કાશ્મીર જશે. આ દરમિયાન રાહુલ ગાંધી સહિત તમામ નેતા ત્યાની પરિસ્થિતિનું નીરિક્ષણ કરશે અને સ્થાનિક નેતાઓ સિવાય લોકો સાથે પણ મુલાકાત કરશે. રાહુલ ગાંધીની સાથે ગુલામ નબી આઝાદ, સીપીઆઇના ડી રાજા, સીપીઆઇ (એમ)ના સીતારામ યેચુરી, ડીએમ ટી શિવા, એનસીપીના માજિદ મેમન, આરજેડીના મનોજ ઝા સામેલ છે.
આ અગાઉ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી આવતીકાલે શ્રીનગર જશે. રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આમંત્રણનો જવાબ આપ્યો હતો. રાહુલે કહ્યુ હતું કે, વિપક્ષી નેતાઓએ કાશ્મીર જવાની મંજૂરી આપવી જોઇએ. રાહુલ ગાંધીએ રાજ્યપાલ મલિકને સંબોધિને ટ્વિટ કર્યું હતું કે, તે વિપક્ષના નેતાઓ સાથે જમ્મુ કાશ્મીર અને લદાખ આવવાનું આમંત્રણ સ્વીકાર કરવા માંગે છે.
આ અગાઉ રાજ્યપાલ મલિકે કોગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, રાહુલ ગાંધી કાશ્મીરની સ્થિતિને લઇને ખોટું બોલી રહ્યા છે. કલમ 370 હટ્યા બાદ કોગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ બે વખત જમ્મુ કાશ્મીર જવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. એક વખત તેમને શ્રીનગર એરપોર્ટ પર તો બીજી વખત જમ્મુ એરપોર્ટ પરથી દિલ્હી પાછા જવું પડ્યુ હતું.