પુષ્કરઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રાજસ્થાનના પુષ્કરમાં બ્રહ્મા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પૂજા દરમિયાન રાહુલ ગાંધી પોતાના ગોત્રનું નામ પણ જાહેર કર્યું હતું. પુષ્કરમાં રાહુલ  ગાંધીએ કૌલ બ્રાહ્મણ અને દત્તાત્રેય ગોત્રના નામ પર પૂજા કરી હતી. વાસ્તવમાં બ્રહ્મા મંદિર દરમિયાન પૂજા અર્ચના દરમિયાન ગોત્ર બતાવવાની પરંપરા રહી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી પર હિંદુ હોવાના સવાલ ઉઠાવનારા વિરોધીઓને આજે જાણ થઇ ગઇ હશે કે રાહુલ ગાંધી ક્યા કૂળના બ્રાહ્મણ છે.


કેટલાક મહિના અગાઉ કોગ્રેસે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી જનેઉધારી પંડિત છે ત્યારે ભાજપે તેમના ગોત્ર વિશે પૂછ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે પુષ્કરમાં પહોંચ્યા હતા. તેમણે બ્રહ્મા મંદિરમાં પૂજા કરતા અગાઉ અજમેરના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવી હતી. આ અવસર પર તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત, રાજસ્થાન પ્રદેશ કોગ્રેસ કમિટિના અધ્યક્ષ સચિન પાયલટ પણ હાજર રહ્યા હતા.

આજે સવારે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર માથું ટેકાવ્યું હતું. રાહુલ ગાંધી પોખરમ, જાલોર અને જોધપુરમાં જનસભાઓ કરશે. નોંધનીય છે કે રાજસ્થાનની 200 વિધાનસભા બેઠક માટે સાત ડિસેમ્બરના રોજ મતદાન થશે. 11 ડિસેમ્બરના રોજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણાના વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.