નવી દિલ્હી: કાનપુરમાં હિસ્ટ્રીશીટરને પકડવા ગયેલી પોલીસની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આઠ પોલીસ કર્મીઓના મોત થયા છે. આ ઘટના કાનપુરના શિવલી પોલીસ સ્ટેશન વિસ્તારના બિકરૂ ગામની છે. પોલીસની ટીમ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડાવા ગઈ હતી. હવે આ ઘટનાને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.


રાહુલ ગાંધી કહ્યું કે ઉત્તરપ્રદેશમાં આઠ પોલીસકર્મીઓના મોતની ઘટના એ વાતની પ્રમાણ છે કે રાજ્યમાં ગુંડારાજ છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે જ્યારે પોલીસ સુરક્ષિત નથી તો રાજ્યમાં જનતા કઈ રીતે સુરક્ષિત હશે. તેમણે કહ્યું, મારી શોક સંવેદના મૃત્યુ પામેલા વીર શહીદોના પરિવારજનો સાથે છે અને હુ ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છે.

પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મામલાને લઈને આરોપ લગાવ્યો કે ઉત્તરપ્રદેશમાં અપરાધીઓ બેખૌફ થઈ ગયા છે અને સામાન્ય જનતાની સાથે સાથે પોલીસ પણ સુરક્ષિત નથી. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું કે બદમાશોને પકડવા ગયેલી પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું જેમાં પોલીસના એસઓ સહિત 8 જવાન શહીદ થયા. આ શહીદોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ.

પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો અને કહ્યું, 'યૂપીમાં કાયદો અને વ્યવસ્થા બગડી ગઈ છે, અપરાધીઓ બેખૌફ છે, સામાન્ય લોકો અને પોલીસ પણ સુરક્ષિત નથી. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મુખ્યમંત્રી પાસે છે. આટલી ભયાનક ઘટના બાદ તેમને કડક કાર્યવાહી કરવી જોઈએ.'

પોલીસ ટીમ પર થયું ફાયરિંગ
ઉલ્લેખનીય છે કે કાનપુરમાં ગુનેગાર સાથે અથડામણમાં એક પોલીસ અધિકારી સહિત આઠ પોલીસકર્મીઓના મોત થયા છે. આઠ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસની જવાબી કાર્યવાહીમાં બે ગુનેગારના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ અથડામણ ત્યારે બની જ્યારે પોલીસની એક ટીમ ગુનેગાર વિકાસ દુબેને પકડવા માટે ગુરૂવારે રાત્રે ચૌબેપુર સ્ટેશના દિકરૂ ગામમાં ગઈ હતી. વિકાસ દુબે સામે 60 ગુનાહિત કેસ દાખલ છે.