નવી દિલ્હીઃ દેશના અર્થતંત્રની કથળતી જતી સ્થિતિને લઈ ચારેબાજુથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગંભીર મુદ્દે વિપક્ષ પણ સરકારને ઘેરવાની તક છોડતું નથી. બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, અર્થતંત્રની શું હાલ છે હાઉડી મોદી. મિસ્ટર મોદી, અર્થવ્યવસ્થાની હાલત સારી નથી લાગી રહી. રાહુલ ગાંધીએ એક વેબસાઈટનો અહેવાલ ટ્વિટર પર શેર કરીને અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે વર્તમાન સ્થિતિને લઈ મોદી સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા પડી ભાંગી છે અને સરકારને આ વાતનો અહેસાસ નથી તે ખતરનાક વાત છે. પૂર્વ પીએમે કહ્યું હતું કે, આપણે આર્થિક મંદીના પ્રવાહમાં છીએ. વિકાસ દર ઘટીને 5 ટકા થઈ ગયો છે. જે અમે 2008ની યાદ અપાવે છે, ત્યારે અમારી સરકારમાં અર્થવ્યવસ્થા નીચે આવી ગઈ હતી.