નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન કહ્યું કે આ ચૂંટણીમાં ખેડૂત, રોજગાર તથા પીએમના ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દાઓ છે અને લોકસભા ચૂંટણીના ચાર તબક્કા બાદ સ્પષ્ટ છે કે ભાજપ આ ચૂંટણી હારી રહી છે. આ સિવાય રાહુલે રાફેલ અને રોજગારથી લઈને ચૂંટણીપંચના મુદ્દા પર પણ વાત કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ સામે સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. પીએમ મોદીએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી નાખી છે. તેમણે કહ્યું નરેન્દ્ર મોદી રોજગાર વિશે વાત નથી કરતા કારણ કે તેમની પાસે કોઈ જ પ્લાન નથી. બે કરોડ રોજગારી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ છેલ્લા 45 વર્ષમાં સૌથી ઓછી રોજગારી મળી. અમે યુવાનોને રોજગારી આપવાનો વાયદો કર્યો છે. તેથી અમે ન્યાય યોજના શરૂ કરી.

ચૂંટણીપંચ પર સાવલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીપંચ વિપક્ષના મામલામાં કાર્યવાહી કરે છે પરંતુ સત્તાપક્ષ સામે કડક નથી. ચૂંટણીપંચ કંઈ પણ કરે પરંતુ નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે. વડાપ્રધાન બનવાના સવાલ પર રાહુલે કહ્યું કે દેશની જનતા નક્કી કરશે. પહેલું મકસદ ભાજપને હરાવવાનું અને ચૂંટણી જીતવાનું છે.

સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે પીએમ મોદીની આલોચના કરતા રાહુલ ગાંધીએ કહ્યું, સેના કોઈ વ્યક્તિની નથી. પરંતુ દેશની હોય છે. સેના નરેન્દ્ર મોદીની ખાનગી પ્રોપર્ટી નથી. અમે સેનાનું રાજકારણ નથી કરતા. વડાપ્રધાનમાં એટલું સન્માન હોવું જોઈએ કે સેનાનું અપમાન ના કરે. યૂપીએ સરકાર દરમિયાન થયેલી સર્જિકલ સ્ટ્રાઇક ઉઠેલા સવાલોના જવાબમાં રાહુલે કહ્યું કે સેનાની સ્ટ્રાઈકની વીડિયો ગેમ બતાવી પીએમ મોદી દેશની સેનાનુ અપમાન કરી રહ્યાં છે.

સુપ્રીમ કોર્ટની અવમાનના મામલે રાહુલ ગાંધીએ કહ્યું, “ચોકીદાર ચોર છે એ એક નારો છે. મે સુપ્રીમ કોર્ટ પાસે માફી માંગી લીધી છે. મે એટલા માટે માફી માગી કે સુપ્રીમ કોર્ટમાં રાફેલ મામલે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન કોમેન્ટ કરી હતી. મે ભાજપ કે નરેન્દ્ર મોદી પાસે માફી નથી માંગી. પરંતુ ચોકીદાર ચોર છે, તે એક સચ્ચાઈ છે. ”

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કાના મતદાન માટે આજે સાંજથી ચૂંટણી પડઘમ શાંત પડી જશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યો માં 51 બેઠક પર મતદાન થશે.